છેલ્લા 24 કલાકમાં હળવદમાં પોણો ઈંચ, માળીયા મિયાણામાં અડધો ઇંચ : વાંકાનેર - ટંકારામાં ઝાપટામોરબી : જુલાઈ મહિના 21 દિવસ વીતવા છતાં મોરબી જિલ્લામાં પૂરતો વરસાદ વરસ્યો નથી ત્યારે ગઈકાલે સાંજથી મેઘરાજાએ મોરબી જિલ્લામાં મેઘમહેર શરૂ કરતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. મોરબીમાં મંગળવારે સવારથી બુધવારે સવારે સુધીમાં 10 મીમી વરસાદ વરસ્યા બાદ આજે સવારે છ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસતા બે કલાકમાં જ વધુ 32 મીમી એટલે કે, સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.મોરબી શહેર જિલ્લામાં મંગળવારે સવારથી હવામાનમાં પલટો આવ્યા બાદ ધીમીધારે વરસાદ ચાલુ રહેતા આજે બુધવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન મોરબીમા 10મીમી, માળિયામાં 12મીમી, હળવદમાં 19મીમી, ટંકારામાં 2 મીમી અને વાંકાનેરમાં 4મીમી વરસાદ નોંધાયો હતો.બીજીતરફ આજે વહેલી સવારે છ વાગ્યાથી મેઘરાજાએ મોરબી શહેર તાલુકાના મેઘકૃપા વરસાવતા સવારે આઠ વાગ્યા સુધીમાં મોરબીમાં 32 મીમી એટલે કે સવા ઇચથી વધુ વરસાદ નોંધાયો હતો.જિલ્લાના અન્ય વિસ્તારમાં પણ ઘટાટોપ માહોલ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.