વૈભવલક્ષ્મી સોસાયટીથી એન્જલ હાઇટ્સનો રોડ મંજુર થઈ ગયો, અગાઉ 2 વખત ટેન્ડરિંગની પ્રક્રિયા થઈ, સિંગલ એજન્સી આવતા આપણે કોઈને કામ આપ્યું નહોતું, ફરી ત્રીજી વખત ટેન્ડરિંગ કર્યું : કોર્પોરેટરમોરબી : રવાપરના લક્ષ્મીનગર અને વૈભવ લક્ષ્મી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાઓની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રસ્તા અંગે કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આજે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. સવારે અંદાજે અઢીથી ત્રણ કલાક માટે રવાપર ચોકડી ખાતે સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચક્કાજામ હટાવી ધારાસભ્યની ઓફિસે થાળીઓ વગાડી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પીઆઇ સહિતનો પોલીસ કાફલો લોકોને સમજાવવા ધારાસભ્યની ઓફિસે પહોંચ્યો હતો. હાલ સ્થાનિકો રોડની હાલત બતાવવા મહાપાલિકાના એન્જી.ને સાથે લઈને રવાના થયા છે.આ અંગે વિરોધ કરી રહેલા લક્ષ્મીનગર સોસાયટીના અન્નપૂર્ણાબેને માહિતી આપતા જણાવ્યું હતું કે, 'અમે સવારે 8 વાગ્યાથી 3 કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. અમે ધારાસભ્યની ઓફિસે રજૂઆત કરી છે અને અમને 8 દિવસમાં એટલે કે 1 અઠવાડિયામાં રસ્તો તૈયાર કરી આપવાની લેખિત ખાતરી આપવામાં આવી છે. જો 8 દિવસમાં કામ શરૂ નહીં થાય તો અમે 9મા દિવસે ફરીથી અહીં આવીશું અને ઉગ્ર વિરોધ કરીશું.'સ્થાનિક અન્ય એક મહિલાએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા આક્રોશ ઠાલવ્યો હતો કે, '2 વર્ષ પહેલા રસ્તો પાસ થઈ ગયો હોવા છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. રસ્તા એટલા ખરાબ છે કે લોકોને અને ખાસ કરીને બાળકોને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે. જો ફ્લેટ દીઠ 200 રૂપિયા ઉઘરાવીને જ કામ કરવાનું હોત તો અમે જાતે જ કરી લેત, તેમાં સરકાર આગળ હાથ લંબાવવાની શું જરૂર છે? અમારી માંગ છે કે 4 દિવસમાં જ રસ્તો બનાવી આપવામાં આવે.' સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો લેખિતમાં અપાયેલી ખાતરી મુજબ સમયસર કામગીરી શરૂ નહીં થાય, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.કોર્પોરેટર રવિ સનાવડાએ જણાવ્યું કે વૈભવ લક્ષ્મી સોસાયટીથી એન્જલ હાઇટ્સનો જે રોડ હતો એ ખરેખર જે મંજૂર થઈ ગયો છે. એના માટે ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ છે. 2 વખત ટેન્ડરિંગની પ્રક્રિયા થઈ, સિંગલ એજન્સી આવતા આપણે કોઈને કામ આપ્યું નહોતું. ફરી 3જી વખત આપણે એનું ટેન્ડરિંગ કર્યું છે અને ગઈકાલે 3 એજન્સીઓના ભાવ પણ આવી ગયા છે. આજે ભાવ ખોલવાના છે. લોએસ્ટ એજન્સીને જે ભાવ કાઢી અને આપણે એને કામ આપવાનું છે. અઠવાડિયામાં વર્ક ઓર્ડર આપી દેશું અને વધુમાં વધુ 15 દિવસમાં કામ ચાલુ થઈ જવાનું છે. આ રોડ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આવ્યો છે. 80-20 ની યોજના છે. 20% જે લોકફાળો ભરવાનો હોય એ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ પોતાની ગ્રાન્ટમાંથી 20% ફાળો પણ ભરી આપ્યો છે. વધુમાં વધુ ઝડપથી જેમ કામ ઝડપથી શરૂ થાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ.#Morbi #MorbiUpdate #MorbiNews #RoadDevelopment #GujaratNews #RaviSanavada