વાંકાનેર-માળિયા હાઇવે પર દિવસે રોડ બ્લોક કરી કામગીરી કરતા 2 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી, વાહનચાલકો પરેશાનમોરબી : વાંકાનેરથી માળિયા સુધીનો હાઈવે સતત વાહનોથી ધમધમતો રહે છે. હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડ પર ખાડા પૂરવાની કામગીરીમાં ભારે બેદરકારી અને આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ટ્રાફિક ઓછો હોય ત્યારે એટલે કે રાત્રિના સમયે ખાડા પૂરવા જોઈએ, પરંતુ ઓથોરિટી દ્વારા ધોળા દિવસે જ આ કામગીરી શરૂ કરી દેવાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસે રોડ બ્લોક કરીને કામ કરવાના કારણે હાઈવે પર 2-2 કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગી જાય છે અને વાહનો ટ્રાફિક જામમાં ફસાય છે. આ ઉપરાંત, હાઈવે ઓથોરિટી દ્વારા જ્યારે રાત્રે કામ કરવામાં આવે છે, ત્યારે પણ ચાલુ વરસાદે ખાડા પૂરવામાં આવે છે. છેલ્લા 2 દિવસથી રાત્રે વરસાદ ન હતો ત્યારે કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. જો એ સમયે કામ થયું હોત તો લોકોને ખાડામાંથી વહેલી મુક્તિ મળી શકી હોત અને હેરાનગતિ ઓછી થઈ હોત.હાઈવે ઓથોરિટીની કામગીરીની અન્ય એક મોટી ખામી એ છે કે રોડ સરખો કર્યા પછી સાઈડમાં કટ એમ જ ખુલ્લા છોડી દેવામાં આવે છે. આ અધૂરી કામગીરીના કારણે નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. ત્યારબાદ આ કટ પૂરવા માટે ફરીથી દિવસે રોડ બ્લોક કરવામાં આવે છે, જે ફરી ટ્રાફિક જામ સર્જે છે. ઓથોરિટીની આવી અણઘડ કામગીરી જોઈને વાહનચાલકો અને સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે હાઈવે ઓથોરિટી ખરેખર યોગ્ય રીતે કામગીરી ક્યારે કરશે?#MorbiUpdate #WankanerMaliyaHighway #TrafficJam #HighwayAuthority #MorbiNews #RoadSafety #GujaratNews