પસંદગીના નંબર મેળવવા ઈચ્છુક વાહનમાલિકો આગામી 25 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશેમોરબી : મોરબી જિલ્લામાં સરળ, નિષ્પક્ષ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાના હેતુથી સરકારી મોટર વાહન ખાતાના નિયમોનુસાર વાહનોના પસંદગીના નંબર માટેની ઓક્શન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી મોરબી ખાતે ટુ-વ્હીલર વાહનો માટેની નવી સીરીઝ ‘GJ36 BD’ માં પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકો માટે ઓનલાઈન હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રક્રિયા અંતર્ગત વાહન માલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને સત્તાવાર પોર્ટલ https://parivahan.gov.in/fancy/ પર પબ્લિક યુઝર તરીકે નોંધણી કરાવવાની રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ તા. 25/07/2026 થી તા. 01/08/2026 સુધીમાં નિયત પાયાની રકમ ઓનલાઈન ભરીને 'CNA' ફોર્મ દ્વારા અરજી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ તા. 01/08/2026 થી તા. 03/07/2026 સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલા નંબર માટે ઓનલાઈન બિડિંગમાં ભાગ લેવાનો રહેશે.CNA ફોર્મ વાહન ખરીદી અથવા વીમા તારીખમાંથી જે વહેલું હોય તેના સાત દિવસમાં અને RTO ટેક્સ ભર્યા બાદ જ ભરી શકાશે. હરાજીમાં સફળ ઉમેદવારે બિડિંગની તફાવતની રકમ (રૂ. 1000 ના ગુણાંકમાં) પરિણામ જાહેર થયાના પાંચ દિવસમાં ઓનલાઈન ભરવાની રહેશે, અન્યથા તેઓ ડિસ્ક્વોલિફાય થશે. જ્યારે અસફળ અરજદારોની પાયાની રકમ ૫ થી 7 દિવસમાં તેમના બેંક ખાતામાં ઓનલાઈન પરત જમા કરી દેવાશે. સફળ ઉમેદવારોએ નાણાં ભરેલી પહોંચ અને અલોટમેન્ટ લેટર સાથે RTO કચેરીએ અરજી જમા કરાવવાની રહેશે તેમ મોરબી પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.