રંગપર રોડ પર આવેલી વાડીમાં સર્જાયેલી કરુણ ઘટનાથી ગામમાં શોક છવાયોમોરબી : મોરબીના ખરેડા ગામે રંગપર રોડ પર આવેલી સીમમાંથી એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. અહીં વાડી વિસ્તારમાં એક હડકાયા શ્વાને 4 વર્ષના માસૂમ બાળક પર ગંભીર રીતે હુમલો કરતા બાળકનું મોત નીપજ્યું છે. આ બનાવને પગલે શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.મળતી માહિતી મુજબ, મૂળ છોટા ઉદેપુર પંથકના વતની અને હાલ મોરબીના ખરેડા ગામે રંગપર રોડ પર સીમમાં મુકેશભાઈ કાનજીભાઈ ચાડમિયાની વાડીમાં રહીને ખેતમજૂરી કરતા અરવિંદભાઈ રાઠવાનો 4 વર્ષનો પુત્ર અવિનાશ છ દિવસ પૂર્વે બપોરે આશરે 3:30 વાગ્યાની આસપાસ વાડીમાં રમી રહ્યો હતો. તે દરમિયાન એક હડકાયું શ્વાન અચાનક ત્યાં દોડી આવ્યું હતું અને માસૂમ અવિનાશ પર તૂટી પડ્યું હતું. શ્વાને બાળકને ગંભીર રીતે બચકા ભરી લેતા બાળક લોહીલુહાણ થઈ ગયો હતો.બનાવને પગલે ગંભીર રીતે ઘવાયેલા 4 વર્ષના અવિનાશને પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે ખરેડાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જો કે, ત્યાંના ફરજ પરના તબીબે બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ કરુણ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં જ પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી અને પંથકમાં અરેરાટી મચી ગઈ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #DogAttack #Tragedy #Khareda #GujaratNews