મહાપાલિકાના વિકાસ કામો અંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ : પદાધિકારીઓ અને અધિકારીઓને પરસ્પર સંકલન સાધી પ્રજાહિતના કાર્યોને વેગ આપવા કર્યું સૂચનમોરબી : મોરબી શહેરના વિકાસને ગતિ આપવા અને સ્થાનિક જનસુખાકારીના પ્રશ્નોના કાયમી નિવારણ અર્થે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીએ પદાધિકારીઓ અને અધિકારીઓને પરસ્પર સંકલન સાધી પ્રજાહિતના કાર્યોને વેગ આપવા સૂચન કર્યું હતું. ઉપરાંત આવતા 6 મહિનામાં લાતી પ્લોટનો એક પણ રોડ બાકી નહિ રહે તેવું જાહેર કર્યું હતું.આ બેઠકમાં મંત્રીએ મોરબીના ઉજ્જવળ ભવિષ્ય માટે નગરની આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મંત્રીએ ઉપસ્થિત સૌને લોકપ્રતિનિધિ તરીકેની ગરિમા જાળવી રાખીને સંપૂર્ણ વહીવટી પારદર્શિતા સાથે પ્રજાલક્ષી કાર્યો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા ખાસ સૂચન કર્યું હતું.આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણી તથા ડેપ્યુટી કમિશનર સંજય સોની, મનપાની વિવિધ સમિતિઓના ચેરમેનો, કોર્પોરેટરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, તેઓ અઠવાડિયામાં 2 દિવસ માટે અહીં ઉપસ્થિત રહે છે. બેઠક દરમિયાન ચોમાસામાં પાણીના નિકાલ, ગટર ઉભરાવાની સમસ્યા, સ્ટ્રીટ લાઈટ અને નવા મંજુર થયેલા કામો શરૂ કરવા તેમજ નવી દરખાસ્તો અંગે કોર્પોરેશનના સભ્યો અને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં તેમણે લાતી પ્લોટ વિસ્તાર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ લાતી પ્લોટ 1, 2 અને 3માં ગટર અને પાણીના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. હાલ તેમાં મેટલ રોડ બનાવવામાં આવ્યો છે. રોડનો બેઝ મજબૂત થયા બાદ જ તેની ઉપર આરસીસી કે સિમેન્ટનો રોડ બનાવવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે આગામી 6 મહિનામાં લાતી પ્લોટના એક પણ રોડનું કામ બાકી રહેશે નહીં અને તમામ જરૂરી પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે.#Morbi #MorbiNews #MorbiUpdate #KantibhaiAmrutiya #MorbiMunicipalCorporation #GujaratNews #MorbiDevelopment #LatiPlot