યુવાનોને વિકસિત ભારત નિર્માણમાં યોગદાન આપવા મંત્રીઓનું આહવાન : UPSC અને GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અપાયું વૈજ્ઞાનિક ઢબે સચોટ માર્ગદર્શનમોરબી: મોરબીમાં સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તેજસ્વી યુવાનોને ઘરઆંગણે સચોટ માર્ગદર્શન પૂરું પાડવાના ઉમદા આશય સાથે વિશેષ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા રોજગાર વિનિમે કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબીના સંયુક્ત ઉપક્રમે શનાળા રોડ પર આવેલા શિવ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.યુવાધનને રાષ્ટ્રનિર્માણ માટે પ્રોત્સાહનકાર્યક્રમને સંબોધતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, દેશના સર્વાંગી વિકાસમાં યુવાનોની સહભાગીદારી અનિવાર્ય છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ યુવાનો માટે તકોના દ્વાર ખોલી રહી છે. તેમણે મોરબીના યુવાનોને કૌશલ્ય કેળવી ‘વિકસિત મોરબીથી વિકસિત ભારત’ના નિર્માણમાં જોડાવવા આહવાન કર્યું હતું. સાથે જ મોરબી ITI ખાતે નવીન હોસ્ટેલથી અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ ઉત્તમ સુવિધા મળશે તેમ જણાવ્યું હતું.રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ 2047ના વિકસિત ભારતના સંકલ્પને દોહરાવતા ઉમેર્યું કે, સરકાર સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબના અદ્યતન કોર્સ અને વૈશ્વિક રોજગારી મળી રહે તેવા આયોજનો કરી રહી છે. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના પ્રયાસો પણ રાજ્ય સરકાર દ્વારા તેજ કરવામાં આવ્યા છે. મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ નવીન હોસ્ટેલને ઉજવળ ભવિષ્યનો પાયો ગણાવી સુશિક્ષિત યુવાનોને મોરબીના વિકાસમાં પાયારુપ ગણાવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે નિઃશુલ્ક માર્ગદર્શનઆ સેમિનારમાં રોજગાર કચેરીના તજજ્ઞો અને કાઉન્સિલર્સ દ્વારા UPSC, GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની વૈજ્ઞાનિક ઢબે તૈયારી, સ્માર્ટ સ્ટડી ટેકનિક અને અદ્યતન અભ્યાસક્રમ અંગે હજારો વિદ્યાર્થીઓને નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ યુવાનોને જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારિત કરી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને રોજગારલક્ષી કોર્સ શરૂ કરવા તંત્રની કટિબદ્ધતા દર્શાવી હતી.મહાનુભાવોની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, કારોબારી સમિતિના ચેરમેન મનીષ કાંજીયા, રોજગાર અને તાલીમ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #CompetitiveExams #CareerGuidance #YouthEmpowerment #ViksitBharat #MorbiNews #Education #SkillsDevelopment