લક્ષ્મીનગર ગામ પાસે પોલીસની કાર્યવાહી, બે આરોપીઓના નામ ખુલ્યામોરબી : મોરબી-માળીયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ પાસેથી પોલીસે રોડ પરથી પસાર થતી શંકાસ્પદ ઇકો કારને અટકાવી કારની તલાશી લેતા કારમાંથી અત્યંત ક્રૂરતાપૂર્વક અને ખીચોખીચ ભરેલા જીવતા ઘેટાં મળી આવ્યા હતા. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મોરબી - માળીયા હાઇવે પર અબોલજીવની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ઇકો કાર નંબર GJ- 03- LR-5449 અટકાવી તલાશી લેતા ઇકો કારમાં કોઈપણ જાતના ગેરકાયદેસર પાસ-પરમીટ કે આધાર પુરાવા વગર કુલ 23 નંગ ઘેટાંને ભરીને લઈ જવાઈ રહ્યા હતા. આરોપીઓએ પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા રાખી ન હતી અને તેમને નિર્દયતાપૂર્વક ગાડીમાં પૂર્યા હોય આ મામલે રંગપર ગામની સીમમાં રહેતા ફરિયાદી ખુશાલભાઇ સુરેશભાઇ વડાલીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હાજીબાવા દોષમહમદભાઇ બુખારી અને શાકીરભાઇ કાદરભાઇ બુખારી રહે.બન્ને, મૌવેયા, તા. પડધરી, જિ. રાજકોટ) ની અટકાયત કરી હતી. જ્યારે આ ઘેટાં ભરી આપનાર આરોપી જાવેદભાઇ સલેમાનભાઇ ખાટકી, રહે. મોરબી અને ઘેટાં મંગાવનાર આરોપી જાકીરભાઇ ખાટકી (રહે. રાજકોટ વાળાના નામ ખુલતા પોલીસે ચારેય વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.