પ્રી-મોન્સૂન કામગીરી માત્ર 50 ટકા જ થઈ હોવાનો આક્ષેપ, 2 દિવસમાં પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર વિરોધની ચીમકીમોરબી : મોરબી વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવતા વીસીપરાના મેઇન રોડ પર ગટર અને પાણીની લાઇનની કામગીરી બાદ પડેલા મોટા ખાડાઓથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મેઇન રોડની અત્યંત દયનીય હાલત હોવાથી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વીસીપરાના આગેવાનો અને રહીશો દ્વારા મહાનગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.સ્થાનિક આગેવાનો રાજુભાઈ, મોહસીનભાઈ, હુસેનભાઈ સહિત અનેક આગેવાનો અને રહીશો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને કમિશનરને મળવાનો સમય માંગ્યો હતો. જોકે કમિશનર સમયના અભાવે બહાર નીકળી જતા તેઓએ ડેપ્યુટી કમિશનર સોનીને રૂબરૂ મળીને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.સ્થાનિકોની રજૂઆત મુજબ, વીસીપરા મેઇન રોડ પર જે પુરાણ કરવામાં આવ્યું હતું તે વરસાદને કારણે બેસી ગયું છે અને રસ્તા પર 2 થી 3 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. હાલમાં જ એક સિમેન્ટની ગાડી ત્યાં ફસાઈ ગઈ હતી અને બે લોકો પડી જવાની ઘટના પણ બની હતી. જેનાથી જાનહાનિનો પણ સતત ભય રહેલો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી માત્ર 50 ટકા જ કરવામાં આવી છે. સામાન્ય મેટલ કે કોન્ક્રીટ નાખવાની કામગીરી પણ યોગ્ય રીતે થતી નથી.રજૂઆત સાંભળ્યા બાદ ડેપ્યુટી કમિશનર સોનીએ લોકોને 2 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. જોકે, આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો 2 દિવસમાં તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી નહીં થાય અને લોકોની હાલાકી દૂર નહીં થાય, તો તેઓ વીસીપરાના વધુ લોકોને સાથે રાખીને મહાનગરપાલિકા ખાતે ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરશે.#Morbi #MorbiUpdate #Visipara #Mahanagarpalika #PublicIssue #PreMonsoonWork #CivicIssues #MorbiNews #WardNo2