ચાલુ વરસાદે રોડ બનાવવાની કામગીરીનો વીડિયો વાયરલ: લોકો પૂછી રહ્યા છે કે 'પાણીમાં બનાવેલો રોડ કેટલા દિવસ ચાલશે?'મોરબી : મોરબી નેશનલ હાઇવે પર રોડની બિસ્માર હાલત અને ખાડાઓથી વાહનચાલકો પહેલેથી જ ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે હવે નેશનલ હાઇવે ઓથોરિટીની વધુ એક ઘોર બેદરકારી અને 'બુદ્ધિનું પ્રદર્શન' કરતો કિસ્સો સામે આવ્યો છે. મોરબી નજીક લાલપર પાસે ચાલુ વરસાદમાં હાઇવે ઓથોરિટી દ્વારા રોડ પર ડામર કામ કરવામાં આવી રહ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે.સામાન્ય રીતે ડામર કામ માટે સૂકું વાતાવરણ અને કોરી સપાટી હોવી અત્યંત જરૂરી છે, કારણ કે પાણી અને ડામરને ક્યારેય ભળતું નથી. પરંતુ હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરોને જાણે ઈજનેરીના કોઈ નિયમો સાથે લેવાદેવા જ ન હોય તેમ ધોધમાર વરસાદ વચ્ચે પણ રોડ બનાવવાનું કામ ધમધમતું રાખવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ભારે વરસાદ વરસી રહ્યો છે અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે, તેની વચ્ચે મશીનો દ્વારા ડામર પાથરીને રોલર ફેરવવામાં આવી રહ્યું છે.આ કામગીરી જોઈને ત્યાંથી પસાર થતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. એક જાગૃત લોકો કહી રહ્યા છે કે, 'હાઇવે ઓથોરિટી દ્વારા ચાલુ વરસાદે બનેલો આ રોડ કેટલા દિવસ ચાલશે?'વરસાદમાં કરેલું ડામર કામ પાણીના સંપર્કમાં આવતા જ ગણતરીના દિવસોમાં ઉખડી જતું હોય છે, ત્યારે આ રીતે કામ કરીને હાઇવે ઓથોરિટી પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના પૈસાનું ખુલ્લેઆમ પાણી કરી રહી હોવાનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. શું હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ આ પ્રકારની કામગીરીથી અજાણ છે? કે પછી બધું જાણીને કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા છે? તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. #MorbiUpdate #MorbiNews #Lalpar #NationalHighway #HighwayAuthority #Rain #Monsoon #RoadWork #ViralVideo #GujaratNews #Morbi