ગ્રીલ સાથે કાર અથડાતા મોટી જાનહાનિ ટળી, હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારીથી લોકોમાં રોષમોરબી : મોરબીના નેશનલ હાઇવે પર અકસ્માતોની હારમાળા યથાવત છે. હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારીના કારણે વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા છે. ગઈકાલે મોડી રાત્રે લાલપર નજીક રોડ વચ્ચે રહેલી એક ખતરનાક કડ (તિરાડ) ના કારણે એક કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી નેશનલ હાઇવે પર લાલપર પાસેના બે રોડ વચ્ચે એક કડ આવેલી છે. આ કડ એટલી ખતરનાક છે કે તેમાં પસાર થતા વાહનોના ટાયર ફસાઈ જવાને કારણે અવારનવાર ટાયર ફાટવાના બનાવો બની રહ્યા છે. અગાઉ પણ અનેક વાહનોના ટાયર આ કડને કારણે ફાટી ગયા છે અને વાહનચાલકો દ્વારા હાઇવે ઓથોરિટીને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી.ગઈકાલે મોડી રાત્રે એક ફોરવીલ કાર આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ કડમાં ફસાઈ જતા કારનું ટાયર નીકળી ગયું હતું અને બેકાબૂ બનેલી કાર હાઇવે પર આવેલી ગ્રીલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારની આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ આ ઘટનાથી હાઇવે ઓથોરિટીની નિષ્ક્રિયતા અને બેદરકારી ફરી એકવાર સામે આવી છે.સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં હાઇવે ઓથોરિટી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં આક્રોશ છે. લોકો માંગ કરી રહ્યા છે કે હાઇવે ઓથોરિટી સત્વરે આ ખતરનાક કડનું સમારકામ કરે અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરે. શું હાઇવે ઓથોરિટી કોઈ મોટા અકસ્માતની અને કોઈના જીવ જવાની રાહ જોઈ રહી છે? તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે.#MorbiUpdate #MorbiNews #HighwayAccident #Lalpar #NationalHighway #HighwayAuthority #Negligence #RoadSafety #Accident #GujaratNews