રેવન્યુ તલાટી મંત્રી સમક્ષ ખેડૂતોની સ્પષ્ટ રજૂઆત, પરિપત્ર અમાન્ય હોવાથી કોઈ પણ દસ્તાવેજ પર સહી નહી કરીએમોરબી ક્સ મોરબી તાલુકાના જેતપર ગામના ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઈન અને કોરિડોર મામલે ચાલી રહેલી કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો છે. જેતપરના ગ્રામજનોએ રેવન્યુ તલાટી મંત્રી સમક્ષ માર્કેટ રેટ કમિટી (MRC) માટે ખેડૂત પ્રતિનિધિની નિમણૂક કરવાનો અને ક્યાંય પણ સહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપરના રેવન્યુ તલાટી મંત્રી દ્વારા ખેડૂતોને બોલાવીને ટ્રાન્સમિશન લાઈન અને કોરિડોર માટે MRC કમિટી બનાવવાની હોવાથી, ખેડૂતો વતી એક પ્રતિનિધિનું નામ આપવા અને સહી કરવા જણાવાયું હતું. પરંતુ ખેડૂત આગેવાનોએ આ પ્રક્રિયામાં જોડાવાની અને સહી કરવાની સીધી જ ના પાડી દીધી હતી.ખેડૂત આગેવાનોએ તલાટી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગત તારીખ 6-7-2026 ના રોજ જેતપર ગામમાં ખેડૂતોની એક વિશાળ સભા બોલાવવામાં આવી હતી. આ સભામાં 4-7-2026 ના રોજ આવેલા પરિપત્ર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે તમામ ખેડૂતોએ એકસુરે આ પરિપત્રને અમાન્ય ગણાવ્યો હતો. ત્યારબાદ ગ્રામ પંચાયતના લેટરપેડ પર લખાણ કરીને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યારે 4-7-2026 નો પરિપત્ર જ ખેડૂતોને મંજૂર નથી, તો પછી તે પરિપત્ર મુજબ MRC કમિટીની રચના અને તેની પ્રક્રિયા કઈ રીતે થઈ શકે? આ જ કારણોસર જેતપર ગામનો કોઈ પણ ખેડૂત આ કમિટી માટે પ્રતિનિધિ પસંદ કરવા કે પંચનામા સહિતના કોઈ પણ કાગળ પર સહી કરવા માટે તૈયાર નથી. જો જરૂર પડશે તો ખેડૂતો અગાઉ કલેક્ટરને આપેલા આવેદનપત્રની નકલ તલાટીને આપવા પણ તૈયાર છે, પરંતુ હાલ કોઈ પણ પ્રકારની કાર્યવાહીમાં સહી ન કરવાનો ગામ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.#Morbi #MorbiNews #Jetpar #FarmersProtest #MRC #GujaratFarmers #MorbiUpdate #LocalNews