જડેશ્વર મંદિરથી શરૂ થયેલી રથયાત્રા ગ્રીન ચોક ખાતે સંપન્ન થઈ: ભક્તો માટે મહાપ્રસાદનું આયોજનમોરબી: મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલા મદન મોહન નામહટ્ટ કેન્દ્ર દ્વારા અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મદન મોહન નામહટ્ટ કેન્દ્ર દ્વારા રથયાત્રાનું આ સતત ત્રીજું વર્ષ છે.આ ભવ્ય રથયાત્રા મોરબીના સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મંદિરથી ધામધૂમપૂર્વક પ્રસ્થાન થઈ હતી. ત્યાંથી સુપર ટોકીઝ, પરા બજાર અને નહેરૂ ગેટ થઈને ગ્રીન ચોક ખાતે પહોંચી હતી, જ્યાં રથયાત્રાનું ભક્તિસભર માહોલમાં સમાપન થયું હતું. ગ્રીન ચોક ખાતે રથયાત્રા પૂર્ણ થયા બાદ હાજર તમામ હરિભક્તો માટે મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.મદન મોહન નામહટ્ટ કેન્દ્રના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા દર રવિવારે રાત્રે 7 થી 10 વાગ્યા દરમિયાન વિશેષ સત્સંગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભગવાન જગન્નાથજીની ભક્તિ સાથે ભજન, કીર્તન અને ભોજન પ્રસાદ યોજાય છે. આ સત્સંગ કાર્યક્રમમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે.વધુમાં, રીટર્ન રથયાત્રા અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, અષાઢી બીજ એ રથયાત્રાનો મુખ્ય મોટો તહેવાર છે. પરંતુ જે કેન્દ્ર કે સંસ્થા બીજના દિવસે રથયાત્રાનું આયોજન ન કરી શકી હોય, તેઓ આગામી દિવસોમાં પોતાની અનુકૂળતા મુજબ રીટર્ન રથયાત્રા યોજી શકે છે, જેના માટે કોઈ ચોક્કસ દિવસ નક્કી હોતો નથી.#Morbi #MorbiUpdate #RathYatra #JagannathRathYatra #MorbiNews #Festival