મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી : આવાસના અધૂરા કામ બાબતે ચર્ચા થઈ પણ કોઈ નિર્ણય ન લેવાયોમોરબી: મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે સાંજના સમયે મહાપાલિકાની નવનિર્મિત બિલ્ડીંગ ખાતે મળી હતી. આ બેઠક બે કલાક જેટલી લાંબી ચાલી હતી. બેઠકમાં ગત સમિતિની બેઠકની કાર્યવાહીની નોંધને બહાલી આપવાની સાથે શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાઓને લગતા અનેક કામોને મંજૂરી આપવામાં આવી છે. સાથે રૂ.1 કરોડ જેટલા બિલો પણ મંજુર કરવામાં આવ્યા છે.આ બેઠકમાં મહાનગરપાલિકા દ્વારા ઈ-વેસ્ટની હરાજીમાં આવેલ ભાવો તેમજ 02/07/2026 થી 15/07/2026 સુધીના ફાયર કોલ રિપોર્ટને મંજૂરી અપાઈ હતી. આ ઉપરાંત હદ વિસ્તારમાં મચ્છુ-2 ડેમ ખાતે 150 MLD નો ઇન્ટેક વેલ બનાવવાના કામને અને ગ્રામપંચાયતના પમ્પિંગ સ્ટેશનનું O&M નું કામ પણ મંજૂર કરાયું હતું. નાણાકીય બાબતોમાં પ્રભાત એન્જિનીયરીંગનું 4 બકેટના પેમેન્ટ અંગે 40 લાખની રકમ મંજૂર કરવામાં આવી હતી. સાથે જ અપસ્ટ્રીમ બ્રિજના ડિઝાઇન વેરીફીકેશન માટે કન્સલ્ટન્ટની નિમણૂકને બહાલી અપાઈ હતી.ઓપ્ટિકલ ફાઈબર કેબલ નાખવા માટે થતા ખોદાણ બાદ રોડ રિસ્ટોરેશન માટે અન્ય કોર્પોરેશનની કામગીરી સાથે સરખામણી કરી રકમ નક્કી કરવા બાબતે પણ મંજૂરી અપાઈ છે. શહેરના તમામ 1 થી 13 વોર્ડમાં GVP તથા હેન્ડકાર્ટના પોઈન્ટ પરથી કચરા કલેક્શનની કામગીરીના બાકી બિલમાંથી 2 બિલ પેટે 60 લાખ રૂપિયા ચૂકવવાની મંજૂરી અપાઈ હતી. ઉપરાંત બ્યુટીફિકેશન માટે શક્ત શનાળા તળાવને બદલે પહેલા રવાપર-ઘુનડા રોડ પર આવેલ તળાવ લેવાની દરખાસ્ત હતી જે નામંજુર કરી છે નંદી ઘર માટે ખૂટતી સુવિધા અને ઘાસચારા માટે ઈમરજન્સી સુવિધા ઉભી કરવા ફંડની ફાળવણી કરાઈ હતી. નંદીઘરની કેપેસિટી મુજબ નંદીઓ રાખીને બાકીના નંદીઓને જ્યાં જરૂરત હોય ત્યાં મોકલી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 100 જેટલા નંદીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે અને બાકીનાને ક્રમશઃ શિફ્ટ કરાશે. આ બેઠકમાં અમુક મુદ્દાઓ ચર્ચા માટે પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. જેમાં કંડલા બાયપાસ રોડ પર આવેલ 608 IHSDP આવાસ યોજનાના નગરપાલિકા વખતથી અધૂરા કામ બાબતે, મહાનગરપાલિકાના અધૂરા બિલ્ડીંગના એક્સ્ટ્રા એક્સેસ ખર્ચ બાબતે અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં હિતાંચી તથા ક્રેન ડ્રાઈવર સાથે સપ્લાય કરવાની કામગીરી માટેના સુધારા ઠરાવ બાબતે ચર્ચા કરી નિર્ણય લેવાનું નક્કી કરાયું છે.સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠક 2 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. જો કે, એજન્ડાના મુદ્દાઓ પૂર્ણ થયા બાદ અધ્યક્ષ સ્થાનેથી રજૂઆતો લેવાય તે પહેલા જ કમિશનર સંગીતા રૈયાણી બેઠકમાંથી નીકળી ગયા હતા. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાએ જણાવ્યું હતું કે, કમિશનરે અધ્યક્ષ સ્થાનેથી જે પણ રજૂઆત હોય તે લેખિતમાં આપવા જણાવ્યું છે, જેથી તેની આગળ ચર્ચા કરી શકાય. #Morbi #MorbiNews #MorbiUpdate #MorbiMunicipalCorporation #StandingCommittee #MorbiCity #DevelopmentWorks #GujaratNews