દુબઈથી આવેલી ફ્લાઈટના મુસાફરે બે અંડરવેરમાં સોનાની પેસ્ટ છુપાવી હતીમોરબી : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અને એર ઈન્ટેલિજન્સ યુનિટે એક સંયુક્ત ઓપરેશનમાં સોનાની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી સ્મગલિંગ કરીને લાવવામાં આવેલું આશરે રૂ. 4.31 કરોડની કિંમતનું સોનું જપ્ત કરી મોરબીના વેગડવાવ ગામના દિલીપભાઈ હરખાભાઈ પીપરીયાની ધરપકડ કરવામાં આવી છે.બાતમીના આધારે એરપોર્ટ પર કાર્યવાહીડીઆરઆઈના અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી કે એક મુસાફર ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત સામાન લાવી રહ્યો છે. બાતમીના આધારે દુબઈથી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પહોંચેલા મોરબીના વેગડવાવ ગામના દિલીપભાઈ હરખાભાઈ પીપરીયાને ટર્મિનલ-2 ના ગ્રીન ચેનલ પર અટકાવવામાં આવ્યો હતો.મેટલ ડિટેકટરમાં કંઈ ન મળ્યું, કડક પૂછપરછમાં ભાંડો ફૂટ્યોદિલીપ પીપરીયાએ કસ્ટમ્સ સમક્ષ કોઈ ગેરકાયદેસર વસ્તુ હોવાનો ઈનકાર કર્યો હતો. તેના સામાનનું એક્સ-રે સ્કેનિંગ અને ડોર ફ્રેમ મેટલ ડિટેકટર દ્વારા ફિઝિકલ ચેકિંગ કરવામાં આવતા કંઈ શંકાસ્પદ મળી આવ્યું ન હતું. જો કે, દિલીપ ભારે નર્વસ અને અસ્વસ્થ જણાતા અધિકારીઓએ તેની સઘન પૂછપરછ આદરી હતી. કડકાઈથી પૂછપરછ કરાતા આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે પોતે પહેરેલા બે વિશેષ અંડરવેર સ્વેચ્છાએ કાઢી આપ્યા હતા. આ અંડરવેરની અંદર ખાસ બનાવેલી ગુપ્ત કેવિટીઝ (ખાનાઓ)માં 3263 ગ્રામ વજન ધરાવતી સોનાની પેસ્ટના બે પેકેટ છુપાવવામાં આવ્યા હતા.શુદ્ધિકરણ બાદ 2.91 કિલો શુદ્ધ સોનું નીકળ્યુંજપ્ત કરાયેલી પેસ્ટને સી.જી. રોડ સ્થિત સરકારી માન્ય વેલ્યુઅરની લેબોરેટરીમાં લઈ જઈ ઓગાળવા અને શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાંથી આશરે 2.91 કિલો (2910 ગ્રામ) 24 કેરેટ શુદ્ધ સોનું મળી આવ્યું હતું. આર્થિક લાલચમાં દાણચોરીનો રસ્તો અપનાવ્યોપૂછપરછ દરમિયાન આરોપી દિલીપે કબૂલાત કરી હતી કે તે 11 જુલાઈના રોજ તેના મિત્ર કરણ સાથે દુબઈ ગયો હતો. ત્યાં કરણે તેની મુલાકાત સુરેશ નામના વ્યક્તિ સાથે કરાવી હતી. સુરેશે તેને ભારત પહોંચાડવા માટે સોનાની પેસ્ટ ભરેલા અંડરવેર આપ્યા હતા અને પોતાના અંડરગાર્મેન્ટ્સની ઉપર તે પહેરી લેવાની સૂચના આપી હતી. આ કામ માટે તેને નાણાકીય લાલચ આપવામાં આવી હોવાની આશંકા છે. ડીઆરઆઈ દ્વારા કસ્ટમ્સ એક્ટ, 1962 ની કલમ 111 અને 112 હેઠળ સોનું જપ્ત કરી, કલમ 104 હેઠળ આરોપી દિલીપ પીપરીયાની ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી આપ્યો છે.#MorbiUpdate #MorbiNews #Morbi #GoldSmuggling #DRI #AhmedabadAirport #GujaratNews #CrimeNews