અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સંગઠનના ઉપપ્રમુખે બનાવેલા વીડિયોમાં શાંતિ ડહોળાઇ તેવી કૉમેન્ટ કરવી ભારે પડીમોરબી : કચ્છના કંડલા ખાતે મસ્જિદનું દબાણ દૂર કરવાની કાર્યવાહી મામલે માળીયાના રોહિશાળા ગામે રહેતા એક યુવાને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સંગઠનના ઉપપ્રમુખે પોસ્ટ કરેલા વીડિયોમાં શાંતિ ડહોળાઇ તેવું કૃત્ય કરી પોતાના ઈન્સ્ટાગ્રામ આઇડીમાંથી રેલી કાઢો, ચક્કાજામ કરો અને પથ્થરમારો કરો તેવી કૉમેન્ટ કરતા માળીયા મિયાણા પોલીસે એલઆઈબી શાખાના આદેશ મુજબ આ શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ વિસ્તારમાં કંડલા ખાતે એક મસ્જિદનું દબાણ દૂર કરવામાં આવતા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સંગઠનના ઉપપ્રમુખ ઇબ્રાહિમ હાલપોત્રાએ ગત તા.1જુલાઈના રોજ સ્થળ પરનો વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં માળીયા મિયાણા તાલુકાના રોહિશાળા ગામના વતની આરોપી ઇમરાનશા અબ્બાસશા શાહમદારે શાંતિ ડહોળાઇ તેવી કોમેન્ટ કરી રેલી કાઢો, પથ્થરમારો કરો, ચક્કાજામ કરો તેવા શબ્દો લખી જનતા વચ્ચે વિખવાદ અને દુશ્મનાવટ થાય તેવું કૃત્ય કરતા એલઆઈબીના રિપોર્ટ બાદ આરોપી ઇમરાનશા વિરુદ્ધ બીએનએસ કાયદાની અલગ અલગ કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.