કાલિકા પ્લોટમાં 1 ડીવાયએસપી, 10 પીઆઈ, 25 પીએસઆઈ અને 200થી વધુ પોલીસ જવાનોના કાફલા સાથે સર્ચ ઓપરેશન ચલાવાયુંમોરબી: આગામી દિવસોમાં આવી રહેલી રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એક મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત કાલિકા પ્લોટ વિસ્તારમાં ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ગુજસીટોક તેમજ આર્મ્સ એક્ટ હેઠળ પકડાયેલા રીઢા ગુનેગારોના રહેણાંક મકાનો પર દરોડા પાડી ચેકિંગ હાથ ધરાયું હતું.મોરબી ડીવાયએસપી કે. પી. પરમારે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રેન્જ આઈજી અને એસપીની સૂચના હેઠળ મોરબી શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા 14 જેટલા આરોપીઓ અને એમસીઆર (હિસ્ટ્રીશીટર) ધરાવતા ગંભીર પ્રકારના ગુનેગારોના ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી.આ મેગા કોમ્બિંગ ઓપરેશનમાં મોરબી સિટી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન, માળિયા અને ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉપરાંત એલસીબી (LCB) અને એસઓજી (SOG)ની ટીમો પણ જોડાઈ હતી. સમગ્ર ઓપરેશનમાં 1 ડીવાયએસપી, 10 પીઆઈ, 25 પીએસઆઈ અને 200થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો જોડાયો હતો. અંદાજે 1 થી 1.5 કલાક સુધી ચાલેલા આ સઘન ચેકિંગ દરમિયાન રીઢા ગુનેગારોના ઘર ફંફોસવામાં આવ્યા હતા. રથયાત્રા પૂર્વે પોલીસની આ કડક કાર્યવાહીથી સ્થાનિક ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.#Morbi #MorbiPolice #CombingOperation #RathYatra #LawAndOrder #MorbiNews #MorbiUpdate