બંધ ટ્રકના કારણે પવનચક્કીનું પાખીયું લઈ જતો ટ્રક અટવાયો : બ્રિજ પર સિંગલ લાઈનમાં વાહન વ્યવહાર શરૂમોરબી : મોરબીના નવલખી ફાટક પાસે આવેલા પરશુરામ બ્રિજ પર આજે સવારથી વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજની વચ્ચોવચ એક આઈશર ટ્રક ખોટકાઈ જતા અને તેની પાછળ પવનચક્કીનું મોટું પાંખિયું લઈને આવતું એક અન્ય ભારે વાહન ફસાઈ જતાં આ સમસ્યા સર્જાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પરશુરામ બ્રિજ પર પસાર થઈ રહેલો એક આઈશર ટ્રક અચાનક બંધ પડી ગયો હતો. આ બંધ પડેલા ટ્રકની બરાબર પાછળ પવનચક્કીનું વિશાળ પાંખિયું લઈને આવતું એક મોટું ટ્રેલર હતું, જે ટ્રકના કારણે આગળ વધી શક્યું ન હતું. આ બંને વાહનો રસ્તાની વચ્ચે જ અટવાઈ જવાને કારણે બ્રિજ પર ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો.સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા એકાદ કલાકથી આ ટ્રક ખોટકાયેલો પડ્યો છે, જેના કારણે બ્રિજ પર લાંબી કતારો જોવા મળી રહી હતી. આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં ટ્રાફિક પોલીસે બ્રિજની એક બાજુથી સિંગલ લાઈનમાં વાહન વ્યવહાર શરૂ કરાવ્યો છે. જોકે, રોડ બ્લોક નથી, પરંતુ વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે.ખોટકાયેલા આઈશર ટ્રકને હટાવવા માટે ક્રેનને બોલાવવામાં આવી છે. ક્રેન દ્વારા ટ્રકને દૂર કર્યા બાદ જ પવનચક્કીના પાંખિયાવાળું વાહન આગળ વધી શકશે અને ત્યારબાદ જ બ્રિજ પરનો ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણપણે રાબેતા મુજબ થવાની શક્યતા છે. સવારના સમયે જ આ ઘટના બનતા કામ-ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.#Morbi #MorbiUpdate #TrafficJam #NavlakhiPhatak #ParshuramBridge #MorbiNews #GujaratNews