છેલ્લા 8 મહિનાથી બનેલી દિવાલના કારણે દુકાનો ઢંકાઈ ગઈ: વેપારમાં 50% નો ઘટાડો, માટીના ઢગલાથી ઉકરડા જેવી સ્થિતિમોરબી : મોરબીના સામા કાંઠે, મહેન્દ્રનગર રોડ પર ગોપાલ સોસાયટીના નાકે અને ભાવેશ સુપર માર્કેટની સામે, જ્યાં ઓવરબ્રિજ ઉતરે છે ત્યાં ઓવરબ્રિજની ધીમી કામગીરી અને બનેલી એક આડી દિવાલથી સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા આઠ મહિનાથી આ 100 ફૂટ લાંબી દિવાલ બનાવી દેવામાં આવી છે, પરંતુ આગળની કામગીરીમાં કોઈ પ્રગતિ ન થતાં વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, આ આડી દિવાલને કારણે તેઓની 10 દુકાનો સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ છે. દુકાનો દેખાતી ન હોવાથી તેમના વેપાર પર માઠી અસર પડી છે અને વેપારમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે. વેપારીઓની માંગ છે કે જો આ દિવાલનું કામ આગળ વધારવાનું હોય તો ઝડપથી વધારવામાં આવે. બીજી તરફ એવી પણ અફવાઓ છે કે આ દિવાલ તોડી પાડવામાં આવશે. વેપારીઓ કહે છે કે આટલો મોટો ખર્ચ કર્યા પછી જો દિવાલ પાડવાની જ હોય તો વહેલાસર પાડી નાખો, અને જો કામ આગળ વધારવાનું હોય તો તે પણ ઝડપથી કરો. ઓવરબ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે કોઈ નિશ્ચિતતા ન હોવાથી વેપારીઓ ચિંતિત છે કે ત્યાં સુધી તેમને આર્થિક નુકસાન વેઠવું પડશે.ઉપરાંત, ઓવરબ્રિજની કામગીરી દરમિયાન દિવાલની આગળ માટીના ઢગલા અને પથ્થરો મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે આ વિસ્તાર ઉકરડા જેવો બની ગયો છે. વધુમાં, આ દિવાલને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં પાણી ત્યાં જ ભરાઈ રહે છે અને દુકાનોમાં ઘૂસી જાય છે, જેનાથી વેપારીઓને વધુ નુકસાન અને મુશ્કેલી પડી રહી છે.સ્થાનિક વેપારીઓએ તંત્ર અને કોન્ટ્રાક્ટર પાસે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા અને કામગીરી ઝડપી બનાવવા માંગ કરી રહ્યા છે.#Morbi #MorbiUpdate #Overbridge #MahendranagarRoad #CivicIssue #MorbiNews #GujaratNews