મોરબી : મોરબીના ટીંબડી પાટીયાથી મકનસર સુધીના હાઇવે ઉપર હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે. સતત ધમધમતા આ રોડ પર છેલ્લા 4 દિવસથી લાલપર પાસે માટીનો ઢગલો કરીને તંત્ર દ્વારા તેને દૂર કરવાની તસ્દી લેવામાં આવી નથી, જેને કારણે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. સાથે જ ટીંબડી પાટીયાથી મકનસર સુધીના રોડ પર રહેણાક વિસ્તાર આવેલો છે તેમ છતાં અનેક જગ્યાએ હાઈવે પરની લાઈટનો અભાવ છે. જેના કારણે રાત્રિના સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અંધારાના કારણે અકસ્માતોની ભીતિઆ વિસ્તારમાં ઠેઠ સુધી રહેણાક વિસ્તાર આવેલો છે, તેમ છતાં અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે. રોડ પર અંધારું હોવાના કારણે ટ્રક ચાલકો પણ રસ્તા પર ગમે ત્યાં માટીના ઢગલા કરીને નીકળી જાય છે, જેના કારણે અકસ્માતો સર્જાવવાનું જોખમ વધી ગયું છે. વારંવાર અંધારાના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ટોલ ટેક્સના ઉઘરાણા, કામગીરીને નામે મીંડુંહાઇવે ઓથોરિટી દ્વારા મસમોટા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ જાળવણીના નામે તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. તંત્રની આ બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આ બેદરકારીના પગલે કોઈને ઈજા પહોંચે કે ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? તેવા સવાલો હાલ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.#Morbi #MorbiNews #HighwayNegligence #MorbiTraffic #Lalpar #GujaratRoads #PublicSafety #MorbiUpdate