સિંહના હુમલામાં બાળકના મોતની ઘટના બાદ વન વિભાગ એક્શન મોડમાં: ગિરનાર અને દાતાર સીડી માર્ગ 'સાયલન્સ ઝોન' જાહેર કરાશેજુનાગઢ: તાજેતરમાં જુનાગઢના ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક દુઃખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોની અવરજવર વધુ રહેતી હોય તેવા સંવેદનશીલ સ્થળોએ કાયમી ચેક પોસ્ટનું નિર્માણ કરી સતત મોનિટરિંગ કરવામાં આવશે.જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષસ્થાને SOP તૈયાર કરાશેયાત્રાળુઓની સુરક્ષા, વન્યજીવ વ્યવસ્થાપન, ઇમરજન્સી પ્રતિસાદ અને આંતરવિભાગીય સંકલન માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી તેનો અમલ કરવામાં આવશે.25 ટ્રેકર કાયમી વોચ રાખશે અને થર્મલ ડ્રોનથી સર્વેલન્સ થશેગિરનાર અને દાતાર સીડી માર્ગને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે, જેથી વન્યજીવોને અનાવશ્યક ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટે. સમગ્ર વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવા માટે થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગના 25 ટ્રેકર કાયમી વોચ રાખશે. યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે વન્યજીવ વિસ્તારમાં કેવી રીતે વર્તવું તે અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. તેમજ યાત્રાઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાય રહે તે માટે તમામ જરૂરી પગાર લેવા પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. #Girnar #Junagadh #WildlifeSafety #GirnarSanctuary #ForestDepartment #GujaratNews #SafetyFirst #MorbiUpdate