820 નંદી માટે માત્ર 1000 ફૂટનો શેડ, પાણીની લાઈન, યોગ્ય લાઇટિંગનો અભાવ, પશુ ચિકિત્સક અને CCTV કેમેરા નહિ, નંદીઓને લઈ આવવા માટેની ટ્રોલી હલકી ગુણવત્તાની આ સહિત અનેક ખામીઓ સામે આવીમોરબી : મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર ભુપતભાઈ જારીયાએ નંદી ઘરનો મુદ્દો ઉઠાવ્યા બાદ તેઓએ નંદીઘરની સરપ્રાઈઝ વિઝીટ પણ લીધી હતી. તેઓએ ત્યાંની કથળેલી પરિસ્થિતિનો વાસ્તવિક ચિતાર રજૂ કર્યો છે. મહાપાલિકાનું બજેટ 1150 કરોડ રૂપિયા હોવા છતાં નંદી ઘર માટે પૂરતું બજેટ ન ફાળવવામાં આવતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ નંદી ઘરમાં ચારેબાજુ કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. હાલમાં નંદી ઘરમાં ઘાસચારા અને મગફળીના ભૂસાનો માત્ર અમુક દિવસ ચાલે તેટલો જ સ્ટોક ઉપલબ્ધ છે. એજન્સી દ્વારા કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.પીવાના પાણી અને છાંયડાનો અભાવભુપતભાઇ જારીયાના જણાવ્યા અનુસાર નંદી ઘરમાં હાલ 820 જેટલા નંદીઓ આશરો લઈ રહ્યા છે, પરંતુ તેમની સામે સુવિધાઓ શૂન્ય છે. 820 નંદીઓ માટે માત્ર 1000 ફૂટનો શેડ છે, જેમાં તમામ નંદીઓનો સમાવેશ થઈ શકે તેમ નથી. આ માટે બીજા 4 નવા શેડ બનાવવાની તાતી જરૂરિયાત છે. પીવાના પાણી માટે કોઈ કનેક્શન નથી અને માત્ર ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે જે અપૂરતું છે. ભુપતભાઈ જારીયાએ કમિશનર અને મેયરને અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે પાણીની લાઈન નાખવામાં આવે અને નંદીઓ માટે 8 થી 10 નવા અવેડા બનાવવામાં આવે. ગમાણની રચના પણ ખામીયુક્ત છે, જેના કારણે વરસાદમાં નંદીઓ અને ઘાસચારો બંને પલળે છે.પશુ ચિકિત્સક અને CCTV કેમેરાની ગેરહાજરીઆટલી મોટી સંખ્યામાં નંદીઓ હોવા છતાં એક પણ વેટરનરી ડોક્ટર (પશુ ચિકિત્સક) ઉપલબ્ધ નથી, જેના કારણે બીમાર નંદીઓની યોગ્ય સારવાર થઈ શકતી નથી. બીમાર નંદીઓને પલટી મરાવવાની પણ કોઈ વ્યવસ્થા નથી. સુરક્ષા અને દેખરેખ માટે આટલી મોટી જગ્યામાં એક પણ CCTV કેમેરો લગાવવામાં આવ્યો નથી. લાઈટિંગની સુવિધા પણ નહિવત છે, શેડમાં માત્ર 4 અને મુખ્ય ગેઇટ પર 1 એમ કુલ 5 લાઈટો જ છે. ઉપરાંત, નંદીઓને લાવવા-લઈ જવા માટે વપરાતી ટ્રોલી પણ તદ્દન હલકી ગુણવત્તાની હોવાનું તેમણે જણાવ્યું હતું.છાણમાંથી બાયોગેસ પ્લાન્ટ ઉભો થઇ શકે તેમ છેભુપતભાઇ જારીયાના જણાવ્યા અનુસાર નંદી ઘરમાં મોટા પ્રમાણમાં છાણ એકત્ર થયેલું પડ્યું છે. આ છાણ ખેડૂતોને ખાતર તરીકે વેચીને અથવા કોર્પોરેશન દ્વારા બાયોગેસ પ્લાન્ટ બનાવીને આવક ઊભી કરી શકાય તેમ છે, પરંતુ તંત્ર દ્વારા આ દિશામાં કોઈ જ વિચારણા કરવામાં આવી નથી. એક તરફ ગેરેજ વિભાગ માટે મોટું અને મજબૂત ગોડાઉન બનાવવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ નંદીઓ માટે યોગ્ય શેડ પણ નથી બનાવવામાં આવતો. ભુપતભાઈ જારીયાએ અંતમાં 'અબોલ જીવ રાજી તો શિવ રાજી' નો નારો આપીને કોર્પોરેશનના સત્તાધીશોને અબોલ જીવોની વેદના સમજવા અને નંદી ઘરની સુવિધાઓ તાત્કાલિક સુધારવા માટે કડક શબ્દોમાં હાકલ કરી છે.#Morbi #MorbiUpdate #NandiGhar #MorbiCorporation #BhupatJariya #AnimalWelfare #MorbiNews #GujaratNews