એક વર્ષ પૂર્વે મિતાણા અને રાજકોટના શખ્સો પાસેથી ઉંચા વ્યાજે લીધા હતા નાણાં, એક વ્યાજખોરે વર્ના ગાડી પડાવી લીધીટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ખેડૂત યુવાને વર્ષ 2025મા મિતાણા અને રાજકોટના વ્યજખોર પાસેથી અનુક્રમે રૂ.17 લાખ અને રૂ.13 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લઈ દૈનિક ધોરણે વ્યાજ ચૂકવી બન્ને વ્યાજખોરોને કુલ 30 લાખના 1.45 કરોડ રૂપિયા ચૂકવી દેવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી ખેડૂત યુવક તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક વર્ના કાર પડાવી લેતા વ્યાજખોરીના બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ખેડૂત યુવાન બેચરભાઇ મગનભાઇ ઘોડાસરા ઉ.30એ આરોપી જયદીપભાઇ બસીયા, રહે મીતાણા ગામ તા.ટંકારા અને આરોપી રવિભાઇ ઝીલરીયા રહે રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,વર્ષ 2024 મા રુપીયાની જરુર પડતા આરોપી જયદીપ બાબુભાઈ બસીયા પાસેથી રુ.17 લાખ વ્યાજે લીધેલ હતા અને તે રુપીયા પૈકી રુ.13 લાખનુ રોજનુ રુ.13 હજાર અને રુ.4 લાખનુ રોજનુ રુ.6 હજાર લેખે વ્યાજ ચૂકવી અત્યાર સુધીમા રુ.1કરોડ 10 લાખ વ્યાજના ચુકવી આપ્યું હતું.આ ઉપરાંત વર્ષ 2025મા વધુ રુપીયાની જરુર પડતા ફરિયાદી બેચરે આરોપી રવિભાઇ ઝીલરીયા રહે.રાજકોટ વાળા પાસેથી રુ.13 લાખ વ્યાજે લીધેલ જે રુપીયા પૈકી રુ.7 લાખનુ રોજનુ સાડા દશ હજાર વ્યાજ અને બીજા રુ.6 લાખનુ રોજનુ રુ.6 હજાર લેખે વ્યાજ ચૂકવી અત્યાર સુધીમા રુ.35 લાખ વ્યાજના ચુકવેલ હોવા છતા બન્ને આરોપીઓ ફરિયાદી તેમજ તેમના પરીવારને મહાવ્યથાનો ડર-ભય બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી રવિ ઝીલરીયાએ ફરીયાદી બેચરની માલીકીની વર્ના કાર નંબર GJ-36-R-7008 બળજબરી પુર્વક પડાવી લીધી હોવાનું ફરિયાદમાં જાહેર કર્યું હતું.વ્યાજખોરીના બનાવ મામલે ટંકારા પોલીસે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.