સરકારી કાર્યક્રમમાં બન્ને કલાકારોને જે ફી મળે છે તે પ્રજાના પૈસાની જ મળે છે, સામાન્ય પ્રજા પણ દરેક વસ્તુમાં જીએસટી ચૂકવે જ છે : જાગૃત નાગરિકમોરબી: ગુજરાતના જાણીતા કલાકાર માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી દ્વારા એક ડાયરા દરમિયાન ટેક્સ ભરવાને લઈ વિવાદીત નિવેદન આપવામાં આવ્યું છે. જેને લઈને સોશિયલ મીડિયામાં તેમની સામે વિરોધ પણ થઈ રહ્યો છે. આ મામલે એક જાગૃત નાગરિકે તેઓએ પોતે કેટલો ટેક્સ ભર્યો એના આંકડા જાહેર કરવાની માંગ ઉઠાવી છે.મોરબીના જાગૃત નાગરિક રમેશભાઈ ઝીલરીયાના જણાવ્યા અનુસાર એક ડાયરાના વાયરલ વીડિયોમાં કલાકાર માયાભાઈ આહીર એવું કહેતા સંભળાય છે કે, 'તમે અમારો પગાર ખાવ છો જેમ એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એમ, તમે અમારા ટેક્સના પૈસે પગાર લ્યો છો.' આ જ વાત પાછળ કલાકાર કિર્તીદાન ગઢવી સૂર પુરાવતા કહે છે કે, 'એ પાછા ટેક્સ ભરતા નથી અને રેશનિંગના ઘઉં ખાતા હોય છે.' કલાકારોના આ નિવેદનોથી ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ છે. જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર, દેશનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નાની-મોટી વસ્તુઓ પર GST ટેક્સ ચૂકવે છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જનતાના સેવકો છે અને જનતાના ટેક્સના પૈસાથી જ આખી વ્યવસ્થા ચાલે છે, ત્યારે કલાકારો દ્વારા પ્રજાની આવી ઠેકડી ઉડાડવી તે ભારે દુર્ભાગ્યપૂર્ણ છે.માહિતી અધિકાર અધિનિયમ 2005 (RTI) હેઠળ મેળવેલી માહિતીનો હવાલો આપતા રમેશભાઈ ઝીલરીયાએ જણાવ્યું છે કે, રાજકોટ ખાતે તારીખ 22/06/2017 થી 25/06/2017 દરમિયાન યોજાયેલા સૌની યોજના લોકાર્પણ કાર્યક્રમમાં સરકારી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી કાર્યક્રમમાં માયાભાઈ આહીરે 1 ડાયરાના 3.50 લાખ રૂપિયા અને કિર્તીદાન ગઢવીએ 2 ડાયરાના 10 લાખ રૂપિયા (5 લાખ લેખે બે વાર) ફી પેટે સરકારી તિજોરીમાંથી વસૂલ્યા હતા. આ આંકડાઓ સાબિત કરે છે કે ડાયરા કલાકારોના ઘર પણ પ્રજાના ટેક્સના પૈસાથી જ ચાલે છે. પ્રજાને શેરડીના સાંઠાની જેમ નીચોવીને ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે ત્યારે કલાકારો સરકારની ચાપલૂસી કરી રહ્યા છે.જાગૃત નાગરિક દ્વારા બંને કલાકારોને ખુલ્લી ચેલેન્જ ફેંકવામાં આવી છે કે, જો તેઓ વર્ષ 2017 માં સરકારી ડાયરા માટે લાખો રૂપિયાની ફી લેતા હતા, તો વર્ષ 2017 પછી તેમણે કુલ કેટલા ડાયરા કર્યા? કેટલી ફી વસૂલી? અને સરકારને પોતે કેટલો ટેક્સ ભર્યો તેની વિગતો જાહેર જનતા સમક્ષ મૂકે. આ ઉપરાંત તેમને સરકાર તરફથી અન્ય કયા કયા લાભો મળ્યા છે તેના આંકડા પણ સાર્વજનિક કરવામાં આવે.#MorbiUpdate #DayroArtists #Controversy #MayabhaiAhir #KirtidanGadhvi #PublicAnger #RTIReport #MorbiNews #GujaratNews #Taxpayers #Morbi