ભત્રીજાએ જ મિત્ર અને એક ડ્રાઇવર સાથે મળી રચ્યું હતું કાવતરું, આ અકસ્માત સર્જવા એક સ્કોર્પિયો પણ ખરીદી હતી, કાકા અને દીકરો બાઇક લઈને જતા હતા ત્યારે વાંકડા નજીક સર્જ્યો હતો અકસ્માત : ત્રણ આરોપીની ધરપકડમોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામથી વાંકડા ગામ તરફ જતા રસ્તે કેનાલ પાસે થયેલા એક અકસ્માતના બનાવમાં મોરબી તાલુકા પોલીસની ટીમ તપાસમાં ઊંડી ઉતરતા આ અકસ્માત હત્યાના ષડયંત્ર રૂપે થઈ હોવાનું સામે આવ્યું છે. જમીન વિવાદમાં સગા ભત્રીજાએ જ કાકાની અકસ્માતથી હત્યા કરવાનું કાવતરું રચ્યું હોવાનું ખુલતા પોલીસે કલમો ઉમેરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.ફિલ્મી ઢબે હત્યાનો પ્રયાસ: કાર ખરીદી ભાડૂતી ડ્રાઇવર પાસે અકસ્માત કરાવ્યોગત તારીખ 16/06/2026 ના રોજ રાત્રે 23:30 વાગ્યે ફરિયાદી પ્રાણજીવનભાઈ અને તેમનો દીકરો મેહુલભાઈ મોરબી કોર્ટની મુદત પૂરી કરીને તેમના મોટર સાઈકલ (રજીસ્ટ્રેશન નંબર GJ-03-DH-5109) પર પરત ફરી રહ્યા હતા. તે સમયે એક અજાણી સ્કોર્પિયો ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે ચલાવી પાછળથી ટક્કર મારી હતી, જેમાં બંને પિતા-પુત્રને ફ્રેક્ચર અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને સ્કોર્પિયો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરિયાદી પ્રાણજીવનભાઈ અને તેમના ભાઈ ભુદરભાઈ વચ્ચે બાપદાદાની જમીન બાબતે કોર્ટ કેસ ચાલે છે. આ અદાવત રાખીને ભુદરભાઈના દીકરા ભાવેશે તેના મિત્ર હરેશ દેવજીભાઈ સુરાણી સાથે મળીને ફરિયાદી અને તેમના દીકરાને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. આ કાવતરાને પાર પાડવા માટે ભાવેશે એક સફેદ રંગની સ્કોર્પિયો કાર ખરીદી આરોપી હરેશના નામે કરી હતી. ત્યારબાદ હરેશે તેના મિત્ર જગદીશ ખીમજીભાઈ મકવાણાને મોટરસાયકલ આપવાની લાલચ આપીને તેની પાસે આ અકસ્માત કરાવ્યો હતો.સીસીટીવી અને કોલ ડીટેઈલથી કાવતરાનો પર્દાફાશપોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં એકસીડન્ટ કરનાર સ્કોર્પિયો કાર બપોરના 2:30 થી 3:00 વાગ્યા આસપાસ નીચી માંડલ ગામ પાસે હોલ્ટ કરીને ફરિયાદી મુદતથી પરત આવે તેની રાહ જોતી હતી. આરોપીઓના મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ કાઢતા જાણવા મળ્યું કે બનાવના દિવસે ભાવેશ અને હરેશ સતત સંપર્કમાં હતા, જ્યારે અકસ્માત કરનાર ડ્રાઈવર જગદીશ અગાઉ ભાવેશના સંપર્કમાં ન હતો પરંતુ ઘટના બાદ સતત સંપર્કમાં હતો. આ પુરાવાઓના આધારે પોલીસે ગુ.ર.નંબર 1223/2026 ની એફ.આઇ.આર.માં બી.એન.એસ. એક્ટની કલમ 109, 61(2), અને 54 નો ઉમેરો કર્યો હતો.ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત થયેલ મુદ્દામાલ1. જગદીશભાઈ ખીમજીભાઈ મકવાણા (ઉ.વ. 42, ધંધો: ડ્રાઈવીંગ, રહે. રાપર, જી. કચ્છ) 2. હરેશભાઈ દેવજીભાઈ સુરાણી (ઉ.વ. 41, ધંધો: ડ્રાઈવીંગ, રહે. મોરબી, મૂળ રહે. જીકીયારી) 3. ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવા (ઉ.વ. 31, ધંધો: ખેતી, રહે. જીકીયારી, તા. મોરબી)પોલીસે ગુનામાં વપરાયેલી સફેદ રંગની મહિન્દ્રા સ્કોર્પિયો કાર (રજી. નં. GJ-01-KR-8392) કબ્જે કરી છે, જેની કિંમત રૂ. 4,00,000 થાય છે.કામગીરી કરનાર પોલીસ ટીમઆ ગુનાનો ભેદ ઉકેલવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ઘેટીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. આર. જાડેજા, પો.હેડ કોન્સ. અરજણભાઇ ગરીયા, પો.કોન્સ. અરવિંદભાઇ ગડેશીયા, પો.કોન્સ. અરવિંદભાઇ રામોલીયા, પો.કોન્સ. રાજુભાઇ સાપરા, પો.કોન્સ. વિજયસિંહ ભાટીયા અને મોરબી તાલુકાની ટીમ જોડાયેલ હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #AccidentOrMurder #GujaratPolice #MorbiCrime #Justice