સામાન્ય બોલાચાલી બાદ પતિએ પત્નીનું કાસળ કાઢી નાખ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને હથિયાર સાથે ઝડપી લીધોહળવદ : હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમ વિસ્તારમાં બનેલી પત્નીની હત્યાની ચોંકાવનારી ઘટનામાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. એક વાડીમાં મજૂરી કામ કરતા દંપતી વચ્ચે થયેલી બોલાચાલી બાદ પતિએ પોતાની જ પત્નીની દાતરડાના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.પોલીસના જણાવ્યા મુજબ આ બનાવ અંગે મૃતકના પુત્ર રોહિતભાઈ વર્ષીભાઈ નાયકે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, કોઈ કારણોસર તેમના માતા-પિતા વચ્ચે ઝઘડો થતાં તેમના પિતા વર્ષીભાઈ નાયકે તેમના માતા માસુડીબેન નાયકને ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક મહિલાની લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને હત્યામાં વપરાયેલા હથિયાર સાથે ઝડપી પાડીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે, નવા માલણીયાદ ગામની સીમમાં મગનભાઈ ભગવાનભાઈની વાડી આવેલી છે, જે વાડી અન્ય એક વ્યક્તિએ ઉધડ રાખેલી છે. આ વાડીમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વતની એવા માસુડીબેન વર્ષીભાઈ નાયક (ઉંમર વર્ષ 55) તેમના પતિ વર્ષીભાઈ જાડીયાભાઈ નાયક, દીકરા રોહિતભાઈ અને દીકરાની વહુ સાથે રહીને મજૂરી કામ કરતા હતા. કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પતિ વર્ષીભાઈ નાયકે આવેશમાં આવી પોતાની પત્ની માસુડીબેનને છાતીના ભાગે ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારના ઘા મારી દીધા હતા, જેથી માસુડીબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.હત્યા કર્યા બાદ આખી રાત લાશ પાસે જ બેસી રહ્યો આરોપીઆ ઘટનાની ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, રાત્રિના સમયે પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ત્યાંથી ભાગી જવાને બદલે આખી રાત મૃતકની લાશ પાસે જ બેસી રહ્યો હતો. સવારે 9:00 વાગ્યાની આસપાસ જ્યારે વાડી ઉધડ રાખનાર વ્યક્તિ ત્યાં પહોંચ્યો ત્યારે તેને આ સમગ્ર મામલાની જાણ થઈ હતી અને ગામના લોકોને તથા પોલીસને માહિતી આપી હતી.#MorbiUpdate #Halvad #CrimeNews #Murder #HalvadPolice #MorbiNews #BreakingNews #Gujarat