જર્જરિત ઇમારત અંગે 1.5 વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન લેવાયા હોવાની રાવ, સદનસીબે જાનહાનિ ટળી પરંતુ અન્ય 4 ક્વાટર્સ હજુ પણ જીવતા બોમ્બ સમાનટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામમાં આવેલા પંચાયતના જર્જરિત ક્વાટર્સ વહેલી સવારે 4 વાગ્યે અચાનક જ ધડાકાભેર ધરાશાયી થઈ ગયા હતા. વહેલી સવારનો સમય હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, પરંતુ આ મોટી દુર્ઘટનાએ તંત્રની પોકળ કામગીરીની પોલ ખોલી નાખી છે.ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના રહીશો અચાનક જાગી ગયા હતા. આ અકસ્માતમાં પંચાયતના 2 ક્વાટર્સ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે, જેના કારણે બાજુમાં આવેલા એક ખાનગી મકાનને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. ચિંતાની વાત એ છે કે હજુ પણ અન્ય 4 ક્વાટર્સ ગમે ત્યારે પડી જાય તેવી અત્યંત બિસ્માર હાલતમાં ઉભા છે. જો આ બાકીના ક્વાટર્સ પણ ધરાશાયી થશે, તો આસપાસ રહેતા સ્થાનિક રહીશોને વ્યાપક માલ-મિલકતનું નુકસાન થાય તેમ છે અને લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે જો એક સામાન્ય વરસાદમાં જ દીવાલ પડી જતી હોય, તો આ ઈમારત કેટલી જર્જરિત હશે તે સૌને દેખાતું હતું, માત્ર સરકારી બાબુઓને જ દેખાતું ન હતું.આ જર્જરિત ક્વાટર્સને તોડી પાડવા માટે છેલ્લા 1.5 વર્ષથી ગામના સરપંચ અને તલાટીને મૌખિક તેમજ લેખિતમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, આ અધિકારીઓ માત્ર પોતાની જવાબદારીમાંથી છટકતા રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તલાટી પાસે જઈએ તો એવો જવાબ મળતો કે 'અમે તાલુકામાં કાગળો મોકલી દીધા છે', અને તાલુકાના એન્જિનિયર પાસે જઈએ તો કહેવામાં આવતું કે 'અમે જિલ્લામાં ફાઈલ પહોંચાડી દીધી છે'. ભલે અત્યારે રાતનો સમય હોવાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી ગઈ, પણ જો આ જ ઘટના દિવસના સમયે બની હોત અને કોઈ અજુગતું બન્યું હોત તો તેનો જવાબદાર કોણ? શું તંત્ર કોઈનો જીવ ગયા પછી જ જાગશે? હાલ તો સાવડી ગામના સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે.#MorbiUpdate #Tankara #SavdiVillage #PanchayatQuarters #BuildingCollapse #GujaratNews #PublicSafety #LocalNews