મુખ્યમંત્રીની મુલાકાત વખતે રાતોરાત બનેલો રોડ 4 મહિનામાં જ ધોવાયો, રોજેરોજ 4 થી 5 વાહનચાલકો ખાડામાં ખાબકી રહ્યા છેમોરબી : મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ જવાના રસ્તા પર બની રહેલા ઓવરબ્રિજની કામગીરીને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બ્રિજની કામગીરી છેલ્લા 1.5 થી 2 વર્ષથી ચાલી રહી છે, પરંતુ તે પહેલા નિયમ મુજબ યોગ્ય સર્વિસ રોડ બનાવવામાં આવ્યો ન હતો. જેને કારણે હાલ વરસાદી માહોલમાં અહીં કાદવ-કીચડ અને મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેનાથી લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.સ્થાનિક રહીશ અને વેપારી નરેન્દ્રભાઈ ગોહિલના જણાવ્યા અનુસાર, આજથી 3 થી 4 મહિના પહેલા જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તંત્ર દ્વારા રાતોરાત ડામર પાથરીને રોડનું પેચવર્ક કરી દેવામાં આવ્યું હતું. પરંતુ સામાન્ય વરસાદમાં જ આ રોડ ધોવાઈ ગયો છે અને ફરીથી ખાડાઓ પડી ગયા છે. વરસાદ ગયા પછી પણ 15-15 દિવસ સુધી અહીં પાણી ભરાયેલા રહે છે, જેથી વાહનચાલકોને ખાડાઓનો અંદાજ આવતો નથી.અન્ય એક સ્થાનિક નીરવભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રોડ પર પાણી ભરાયેલા રહેતા હોવાથી રોજેરોજ 4 થી 5 લોકો અહીં પડી જાય છે અને અકસ્માતનો ભોગ બને છે. આજે સવારે જ આ રસ્તા પર એક રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી અને એક્ટિવા પર જઈ રહેલા બે બહેનો પણ સ્લીપ થઈ ગયા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવાને બદલે માત્ર માટી અને કપચી નાખીને સંતોષ માની લેવામાં આવે છે, જે થોડા જ પાણીમાં ધોવાઈ જાય છે. આ ઉપરાંત એક વૃદ્ધ મહિલાએ પણ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવતા કહ્યું હતું કે, ગટરના યોગ્ય નિકાલના અભાવે આખો રસ્તો કાદવ-કીચડ વાળો રહે છે, જેમાં બાળકો અને રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે અને લોકો લપસીને પડી રહ્યા છે.ખાડાઓ અને ભરાયેલા વરસાદી પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ અસહ્ય હદે વધ્યો છે. ત્યારે એક જાગૃત નાગરિક અને ડોક્ટરે મોરબીના મેયર અને કમિશનરને અપીલ કરી છે કે તેઓ ઓફિસમાંથી બહાર આવીને ગ્રાઉન્ડ ઝીરો પર આવે અને લોકોની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે અને વહીવટી તંત્ર વહેલી તકે આ સર્વિસ રોડનો કાયમી નિકાલ લાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaharanaPratapCircle #RoadIssue #Monsoon #PublicIssue #MorbiAdministration #GujaratNews