ગુજરાતના તમામ ગામોમાં બેઠક કરી સરકારે જાહેર કરેલ વળતર મંજુર છે કે નહીં તે અંગે નિર્ણય લઈ અભિપ્રાય આપવા હાંકલ, જેતપરમાં તમામ જિલ્લાના ખેડુતો સાથે બેઠક કરી આંદોલન પાર્ટ-3ની રણનીતિ ઘડાશેમોરબી : જેતપર ખેડૂત આંદોલનમાં આજે 19માં દિવસે ઉપવાસીઓના પારણા કરાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ ખેડૂત સમિતિએ નવા જોમ અને જુસ્સા સાથે આંદોલન પાર્ટ-3નું રણશીંગુ ફૂંકી દીધું છે. આ માટે ગુજરાતના તમામ ગામોના ખેડૂતોના અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. ત્યારબાદ જિલ્લાવાઇઝ બેઠકો યોજી વ્યૂહરચના ઘડવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદે ખેડુતોએ શરૂઆતમાં બે સ્થળોએ ચક્કજામ કરીને લડતના મંડાણ કર્યા હતા. ત્યારબાદ આંદોલન પાર્ટ-1 એટલે કે ગાંધીનગર કુચ રાજકીય રંગને કારણે નિષ્ફળ જતા જેતપરના ખેડૂતોએ એકલા હાથે જ આંદોલન શરૂ કર્યું હતું. અહીં આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવતા ગામેગામથી ખેડૂતોનું પુષ્કળ સમર્થન મળ્યું છે. જો કે તાજેતરમાં સરકારે આ આંદોલનને પગલે વળતર વધારો પણ જાહેર કર્યો છે. પરંતુ ખેડૂત સમિતિની માંગ મુજબ સુધારો જાહેર કરવામાં ન આવ્યો હોવાથી આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે. આ દરમિયાન આજે 19માં દિવસે 8 ખેડૂતોને આજે પારણા કરાવવામાં આવ્યા છે. જેમાં દામજીભગત અને ગામની દીકરીઓના હસ્તે ઉપવાસીઓ મહંત કૈલાશગીરી ગુરુ મહાદેવગીરી, રાકેશભાઈ શીવલાલ અમૃતિયા (કારુકાકા), નેહુલભાઈ ધીરજલાલ અમૃતિયા - જેતપર, રામજીભાઈ નાનજીભાઈ ભાડજા - જેતપર, નિલેષભાઈ પ્રાણજીવનભાઈ અઘારા - જેતપર, મહેશભાઈ ચતુરભાઈ મારવણીયા - વાંકીયા, અરવિંદભાઈ રામજીભાઈ અઘારા - જેતપર, વલ્લભભાઈ ડાયાલાલ અઘારા - જેતપરને પારણા કરાવવામાં આવ્યા છે.આ સાથે જ ખેડૂત સમિતિએ એલાન કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. આંદોલન તો ચાલુ જ રહેશે. વધુમાં ઉપવાસ છાવણી ખાતેથી આંદોલન પાર્ટ-3નું પણ રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. આ મામલે ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ જણાવ્યું કે ગુજરાતના તમામ ગામના ખેડૂતો બેઠક યોજે અને નક્કી કરે કે સરકારે જાહેર કરેલા સુધારાઓ તેમને માન્ય છે કે નહીં. તેઓ પોતાનો અભિપ્રાય અમને લેખિતમાં નિયત ફોર્મેટમાં મોકલે. અમે જિલ્લાવાઇઝ ખેડૂતોને જેતપર બોલાવીને તેમની સાથે બેઠક કરીને આંદોલન પાર્ટ-3ની વ્યૂહરચના ઘડીશું. ખેડૂત આગેવાન રાજુભાઇએ જણાવ્યું કે આંદોલન પાર્ટ-3ની વ્યૂહરચના અને આયોજન અંગે ચર્ચા કરવા માટે આગામી 8-7-2026, બુધવારના રોજ જેતપરમાં રામ વાડી ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સંગઠનના સભ્યો અને પ્રતિનિધિઓ ખાસ હાજર રહેશે અને આગામી રણનીતિ નક્કી કરશે.પ્રથમ બેઠક બાદ, આગામી 9-7-2026, ગુરુવારના રોજ રાત્રે 9:00 વાગ્યે જૅતપર, રામ વાડી ખાતે બીજા તબક્કાની બેઠક યોજાશે. આ બેઠકમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં તમામ જિલ્લાના હોદ્દેદારો સાથે મળીને 'પાર્ટ 3' ના આંદોલનને આખરી ઓપ આપશે.