વલસાડના ધરમપુર સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા તેલંગાણાની કંપનીને સોંપાયું સાપોનું ઝેર; સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવા વન વિભાગનું મોટું પગલુંગાંધીનગર : ગુજરાતમાં સર્પદંશની સારવાર માટે હવે રાજ્યના જ ઝેરી સાપોના ઝેરમાંથી બનાવેલું પ્રદેશ-વિશિષ્ટ (Region-specific) એન્ટી-સ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર (SRI) દ્વારા ગુજરાતમાં જોવા મળતી સાપની 4 મુખ્ય ઝેરી પ્રજાતિઓનું લાયોફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાઇડ પાવડર સ્વરૂપનું) ઝેર તેલંગાણા સ્થિત લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદક કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. આ નવીન પ્રક્રિયાથી વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં 50 ટકાનો ઘટાડો કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં મોટું યોગદાન મળશે.4 મુખ્ય ઝેરી સાપોના ઝેરનો જથ્થો સોંપવામાં આવ્યોગુજરાત વન વિભાગ દ્વારા એન્ટી-સ્નેક વેનમ બનાવતી કંપનીને સોંપવામાં આવેલા ઝેરના જથ્થાની વિગતો નીચે મુજબ છે:• ભારતીય નાગ (Indian Cobra): 33.37 ગ્રામ• કાળોતરો (Common Krait): 2.67 ગ્રામ• ખડચિતળો (Russell's Viper): 30.82 ગ્રામ• ફુરસા (Saw-scaled Viper): 1.71 ગ્રામહવે આ કંપની ગુજરાતના પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે અને તેનો પ્રથમ જથ્થો ટૂંક સમયમાં જ રાજ્યને મળે તેવી સંભાવના છે.પ્રદેશ-વિશિષ્ટ (Region-Specific) એન્ટી-વેનમ કેમ જરૂરી?ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) ના ડાયરેક્ટર એસ. કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે, વર્ષ 2022માં દેશભરમાં વન્યજીવોના હુમલામાં 550 લોકોના મોત થયા હતા, જેની સામે સર્પદંશથી અંદાજે 65,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાપનું ઝેર ભૌગોલિક વિસ્તાર પ્રમાણે બદલાય છે, જેથી અન્ય રાજ્યો કે વિસ્તારોના સાપોના ઝેરમાંથી બનેલી રસી ગુજરાતના સ્થાનિક સાપોના કરડવા સામે પૂરેપૂરી અસરકારક સાબિત થતી નથી.આ નવી રસી સ્થાનિક સાપોના ઝેરમાંથી જ બનતી હોવાથી દર્દીઓ પર વધુ ઝડપી અને સચોટ અસર કરશે. તેનાથી સારવાર દરમિયાન ઓછો ડોઝ આપવો પડશે અને સર્પદંશથી માણસોમાં થતા ઓર્ગન ફેઇલ્યોર જેવા ગંભીર જોખમો ઘટાડી શકાશે.સર્પ સંશોધન કેન્દ્રના વાઇસ-ચેરમેન અને જાણીતા સર્જન ડો. ડી. સી. પટેલે પણ સમર્થન આપતા જણાવ્યું કે, દૂરના વિસ્તારોના ઝેરમાંથી તૈયાર કરાયેલ એન્ટી-વેનમ ઘણીવાર ઓછું અસરકારક નીવડે છે, જેથી સમગ્ર ગુજરાતમાંથી જ ઝેરી સાપની પ્રજાતિઓનું ઝેર એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.WHO ની માર્ગદર્શિકા મુજબ કામગીરી અને કેન્દ્રનું વિસ્તરણગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ધરમપુર સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) સાપની જાળવણી અને ઝેર કાઢવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે છે, જેથી ઉચ્ચ ગુણવત્તાવાળું ઝેર મળી રહે. હાલ આ કેન્દ્રમાં 471 ઝેરી સાપો રાખવામાં આવ્યા છે.તમિલનાડુની 'ઇરુલા સોસાયટી' પછી એન્ટી-વેનમ ઉત્પાદન માટે ઝેર મેળવતી આ દેશની બીજી મોટી સંસ્થા બની છે. આ સંસ્થાના વિસ્તરણ માટે ગુજરાત સરકારે વલસાડ જિલ્લામાં વર્લ્ડ ક્લાસ કાયમી કેમ્પસ સ્થાપવા માટે 2.25 હેક્ટર જમીન ફાળવી છે અને અદ્યતન સંશોધન માટે 11.68 કરોડ રૂપિયાની દરખાસ્ત પણ સબમિટ કરવામાં આવી છે.રાષ્ટ્રીય સર્પદંશ મિશનને મળશે મોટું બળવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2024માં ભારત સરકાર દ્વારા 'નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઈટ એન્વેનોમિંગ' (NAP-SE) લોન્ચ કરવામાં આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની વૈશ્વિક વ્યૂહરચનાને અનુરૂપ, વર્ષ 2030 સુધીમાં સર્પદંશના મૃત્યુ અડધા કરવાનો લક્ષ્યાંક રાખનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ છે, જેમાં ગુજરાતનું આ પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ મહત્વની ભૂમિકા ભજવશે.#Gujarat #Valsad #Dharampur #SnakeVenom #AntiSnakeVenom #PublicHealth #MedicalInnovation #GujaratForestDepartment #SaveLives