પ્રકૃતિ સોસાયટીની મહિલાઓ દ્વારા ઢુંઢીયા બાપજીની મૂર્તિને ઘરે ઘરે ફેરવી પાણીનો અભિષેક કરાયોમોરબી: આધુનિક વિજ્ઞાન યુગમાં પણ આપણી સંસ્કૃતિની પ્રાચીન પરંપરા અને વરસાદ માટેની અતૂટ શ્રદ્ધા આજે પણ અકબંધ છે. મોરબી પંથકમાં વરસાદ ખેંચાતા વર્ષો પહેલાં લુપ્ત થયેલી ઢુંઢીયા બાપજીની પરંપરા ફરી એકવાર જીવંત થઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી પ્રકૃતિ સોસાયટીમાં મહિલાઓ દ્વારા આ પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે. મેઘરાજા સમયસર ન વરસતા અને હાલમાં વરસાદના કોઈ એંધાણ ન દેખાતા, ઝડપથી વરસાદ આવે તેવી શ્રદ્ધા સાથે ઢુંઢીયા બાપજીની મૂર્તિને ઘરે ઘરે ફેરવવામાં આવી રહી છે. પ્રકૃતિ સોસાયટીની મહિલાઓ વરસાદને રીઝવવા માટે લોકગીતો ગાતી ગાતી સોસાયટીના દરેક ઘરે પધરામણી કરે છે. જે ઘરે પધરામણી થાય છે, તે ઘરની સ્ત્રી ઢુંઢીયા બાપજીની મૂર્તિ પર પાણીનો અભિષેક કરે છે. આ પરંપરા વર્ષો પહેલાં ખૂબ પ્રચલિત હતી, જે આજે મોરબીના મહેન્દ્રનગરમાં ફરી જોવા મળી છે.અતૂટ શ્રદ્ધા સાથે આ પ્રાચીન પરંપરાનું નિર્વહન કરી રહેલી પ્રકૃતિ સોસાયટીની મહિલાઓ આશા રાખી રહી છે કે મેઘરાજા જલ્દીથી મહેર કરે અને સમગ્ર પંથકને લીલોછમ બનાવે.#Morbi #MorbiUpdate #Mahendranagar #Monsoon #Rain #GujaratRain #Tradition #Monsoon2026 #MorbiNews