ટંકારા : ગુજરાતમાં હાલ ચોમાસું બે અલગ-અલગ પેટર્નમાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે. એકતરફ 'ઇસ્ટ વેસ્ટ શિયર જોન' સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને આગામી ૮ જુલાઈ સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે. બીજી તરફ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, મોરબી અને કચ્છ જિલ્લામાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. મોરબી અને કચ્છમાં વરસાદ ખેંચાવા પાછળ ક્યાં વૈજ્ઞાનિક પરિબળો છે તે અંગે વિગતો આપતા ટંકારાના નાના ખીજડિયા ગામના આગાહીકાર રમેશ બસિયાએ જણાવ્યું કે હવામાન વિશ્લેષણ અનુસાર, મોરબી અને કચ્છ પંથકમાં વરસાદ ખેંચાવા પાછળ કેટલાક ચોક્કસ ભૌગોલિક અને હવામાનશાસ્ત્રીય પરિબળો જવાબદાર છે. અગાઉ એવી ધારણા હતી કે 700 hPa (હવાના દબાણનું સ્તર) પર બનેલો 'ઇસ્ટ વેસ્ટ શિયર જોન' ઉત્તર તરફ આગળ વધશે, જેથી કચ્છ અને મોરબીને મોટો લાભ મળે. પરંતુ, આ સિસ્ટમ ઉત્તર તરફ ખસવાને બદલે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર જ સ્થિર રહી ગઈ, જેથી ત્યાં જ બધો વરસાદ ખાબકી ગયો.મોરબી-કચ્છ ભૌગોલિક રીતે ઉત્તર-પશ્ચિમમાં અંદરની તરફ આવેલા છે. દરિયાકાંઠાના પર્વતીય વિસ્તારો ભેજને રોકી લેતા હોવાથી મોરબી સુધી પહોંચતા પવનોમાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે. ઉપરાંત, રાજસ્થાન-પાકિસ્તાન તરફથી આવતા સૂકા પવનો (એન્ટિ-સાઇક્લોનિક અસરો) વાદળોને બંધાતા રોકે છે.લો-પ્રેશરનો ટ્રેક: બંગાળની ખાડીની સિસ્ટમ્સનો રૂટ દક્ષિણ તરફ નમેલો રહેવાથી તેનો સીધો લાભ મોરબી-કચ્છ સુધી પહોંચતા પહેલાં જ સિસ્ટમ નબળી પડી જાય છે.હાલ બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે આજે વધુ મજબૂત બનીને 'વેલમાર્ક લો-પ્રેશર' માં પરિવર્તિત થશે. આ સિસ્ટમ સીધી ગુજરાત પર નહીં આવે, પરંતુ તેનો વરસાદી ટ્રફ (પટ્ટો) ગુજરાત સુધી લંબાવાનો હોવાથી ૮ તારીખ સુધીમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે.મધ્ય-પૂર્વ અને ઉત્તર ગુજરાત: આગામી ૮ તારીખ સુધીમાં આ વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થશે.રાજકોટ અને સુરેન્દ્રનગર: આ વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં સારો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે.મોરબી જિલ્લો ભલે કોઈ મોટી સિસ્ટમ સીધી સક્રિય ન થાય, પણ ટ્રફના ભેજને કારણે આગામી દિવસોમાં મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા, ગાજવીજ અને ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવોથી મધ્યમ અને કેટલાક ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.કચ્છ માટે હાલ 'શિયર જોન' નીચે હોવાથી કચ્છમાં દક્ષિણ ગુજરાત જેવો ભારે વરસાદ હમણાં નહીં થાય. કચ્છ અને તેની સરહદે આવેલા ઉત્તર ગુજરાતના ભાગોમાં માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. મોટા કે સાર્વત્રિક વરસાદ માટે કચ્છવાસીઓએ હજુ થોડી પ્રતીક્ષા કરવી પડશે.