ટંકારા : ટંકારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. શહેરમાં હવે ખાખીનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ ન્યાય મંદિર (કોર્ટ) જેવા અતિ સુરક્ષિત ગણાતા વિસ્તારની બિલકુલ સામેથી જ એક મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સ્થાનિક પ્રજાની સુરક્ષા અને સલામતી સામે મોટા સવાલો ઊભા થયા છે.મળતી વિગતો મુજબ, ટંકારા શહેરના પોશ વિસ્તારમાં રહેતા અને મૂળ કલ્યાણપરના પાટીદાર અગ્રણીના પરિવારના મહિલા રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે જમીને ટંકારા-જામનગર રોડ પર લતીપર ચોકડી પાસે વોકિંગ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન બાઈક પર રેકી કરી રહેલી એક મહિલા અને પુરુષની બેલડી અચાનક ન્યાય મંદિર સામે જ આ મહિલાની નજીક ધસી આવી હતી. તકનો લાભ ઉઠાવી આ તત્વો મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી અંધારામાં રફુચક્કર થઈ ગયા હતા.આ ઘટના બનતા જ ભયભીત બનેલી ભોગ બનનાર મહિલાએ જોરજોરથી બૂમાબૂમ અને દેકારો મચાવ્યો હતો. અવાજ સાંભળીને આસપાસથી લોકોના મોટા ટોળાઓ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે, આ લૂંટારૂ બેલડી ચેઈન સ્નેચિંગ કરીને બિલકુલ પોલીસ સ્ટેશનની સામેના રોડ પરથી જ મોરબી તરફ બેખોફ થઈને ભાગી છૂટી હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું ભારે હોબાળા અને દેકારા વચ્ચે ઘટનાસ્થળે લોકોમાં તંત્ર સામે તીવ્ર આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે જો કોર્ટ જેવા હાઈ-પ્રોફાઈલ વિસ્તારમાં જ મહિલાઓ સુરક્ષિત ન હોય, તો સામાન્ય નાગરિકોએ જવું ક્યાં? આ ઘટનાએ ટંકારા પોલીસની નાઈટ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાના દાવાઓની પોલ ખોલી નાખી છે. હાલ આ મામલે સ્થાનિકોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા ઉગ્ર માંગ ઉઠી રહી છે. આ અંકે પોલીસ મથકે કોઈ નોધ કરવામાં આવી નથી.