દર વખતની જેમ ફરિયાદ નંબર પણ કહેવા પૂરતા જ સાબિત થયા, આગામી સમયમાં ભારે વરસાદમાં લાઇટની હાલત શુ થશે તેને લઈને ચિંતાટંકારા : લાંબા સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા ટંકારા તાલુકામાં અંતે ગઈકાલે મેઘરાજાએ મંડાણ કરી પોતાની હાજરી પુરાવી દીધી છે. રાત્રિના સમયે મેહુલિયાએ 'ટહુક ટહુક' એન્ટ્રી કરી હતી અને સવાર સુધીમાં સરકારી ચોપડે 5 મિમી વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં 'દે ધનાધન' સ્ટાઈલમાં સાર્વત્રિક વરસાદ થાય જેથી વાવણી લાયક માહોલ બને તેવી આશા જગતાત વ્યક્ત કરી રહ્યા છે.પ્રથમ વરસાદે જ 'વીજળી રાણી' રિસાઈ: PGVCLની પોલ ખુલીએક તરફ વરસાદના આગમનથી લોકોમાં હરખ હતો, તો બીજી તરફ માત્ર પાંચ છાંટા પડતાંની સાથે જ વીજળી ગુલ થઈ ગઈ હતી. ભરઉનાળામાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સની મોટી-મોટી વાતો કરનાર પીજીવીસીએલ (PGVCL) તંત્રની પોલમપોલ પ્રથમ વરસાદમાં જ છતી થઈ ગઈ હતી. તંત્રના અણઘડ વહીવટને કારણે આખું ટંકારા શહેર અંધારાની ચાદરમાં લપેટાઈ ગયું હતું, જેને પગલે વીજ કંપનીની આબરૂનું ધોવાણ થયું છે.વરસાદ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જતાં હેરાન-પરેશાન થયેલા ગ્રાહકોએ જ્યારે પીજીવીસીએલના ફરિયાદ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ફોન સતત 'નો રિસિવ' આવતો હતો. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક રહિશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પ્રી-મોન્સૂન મેન્ટેનન્સના નામે માત્ર કાગળ પર જ કામગીરી થઈ છે. અધૂરા અને અણધડ કામ કરનારા કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીને છાવરીને બિલ પાસ કરી દેનારા જવાબદાર અધિકારીઓ સામે પ્રજાએ ભારોભાર ગુસ્સો ઠાલવ્યો હતો. 'હજુ તો મેઘરાજાએ માત્ર મંડાણ કર્યા છે ત્યાં જ જો આટલી મોટી મુસીબત ઊભી થતી હોય, તો ચોમાસું જામશે ત્યારે આગળ શું થશે?' તેવા સવાલો સાથે વીજ ગ્રાહકો ભારે આકુળ-વ્યાકુળ બન્યા છે. સ્થાનિકોએ આ બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ અને કાયમી ઉકેલની માંગ કરી છે.