સરપંચે ફોન પર રજૂઆત કરી હોવા છતાં વીજ તંત્ર ઘોર નિંદ્રામાં રહેતા દુર્ઘટના સર્જાઈ : ઘરની દીવાલોમાં પણ કરંટ દોડતો હોવાની રાવ, ઉપવાસ પર બેસવાની સરપંચની ચીમકીટંકારા : ટંકારા તાલુકાના મોટા ખિજડીયા ગામે ચોમાસાની શરૂઆતમાં જ માત્ર સામાન્ય વરસાદી છાંટા પડતાંની સાથે જ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL)ની પોલમપોલ અને ઘોર બેદરકારી સપાટી પર આવી ગઈ છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે કરંટ લાગવાથી એક ગાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક ખૂંટ ગંભીર રીતે ઘાયલ થયો છે. જો આ સમયે કોઈ માનવ જિંદગી તેની ઝપેટમાં આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.બનાવની વિગત એવી છે કે મોટા ખિજડીયા ગામના મુખ્ય રોડ પર આવેલું વીજ ટ્રાન્સફોર્મર (ટીસી) શોર્ટ થયું હતું. આ અંગે ગામના સરપંચ જુવાનસિંહ ઝાલાએ તુરંત જ જવાબદાર વીજ તંત્રને ટેલિફોનિક ફરિયાદ (કમ્પ્લેન) નોંધાવી હતી અને તાત્કાલિક અસરથી પાવર સપ્લાય બંધ કરવા વિનંતી કરી હતી. પરંતુ નિંભર વીજ તંત્રએ આ ગંભીર ફરિયાદને કચરાપેટીમાં નાખી દઈને તદ્દન અણદેખી કરી હતી અને વીજ પુરવઠો ચાલુ રાખ્યો હતો. વીજ કંપનીની આ આળસને કારણે ટ્રાન્સફોર્મરની આજુબાજુ આવેલા ઘરોની દીવાલોમાં પણ વીજ કરંટ ઉતરી આવ્યો હતો. જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન ટીસી પોલ પાસે ચરાણ કરી રહેલા પશુઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. શોર્ટ લાગવાના કારણે એક ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક ખૂંટને જોરદાર આંચકો લાગતાં તે ગંભીર રીતે ઝખમી થયો હતો. ઘટનાને પગલે દોડી આવેલા સ્થાનિક યુવાનોએ તાત્કાલિક ઘાયલ ખૂંટની સારવાર શરૂ કરી હતી.આ મામલે સરપંચે જણાવ્યું કે હું અઠવાડિયામાં એક વાર કમ્પ્લેન કરું છું, છતાં કોઈ ધ્યાન આપતું નથી. સૌથી મોટી વાત એ છે કે જો આમાં કોઈ માનવ જિંદગી હોમાઈ ગઈ હોત તો તેનો જવાબદાર કોણ?' જો આ નિંભર તંત્ર દ્વારા આજે જ તાબડતોબ અને યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે, તો આવતીકાલે સમસ્ત ગ્રામજનોને સાથે રાખીને PGVCL કચેરી સામે જ આમરણ ઉપવાસ આંદોલન છેડવામાં આવશે. સ્થાનિક લોકોમાં પણ હવે આ મામલે ઉગ્ર રોષ વ્યાપી ગયો છે અને બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.