આટલી મોટી દુર્ઘટના છતાં ત્વરિત નિર્ણય લઈ શકે તેવા અધિકારીઓની ગેરહાજરી : ગોડાઉનમાં લાઈટનું કનેકશન પણ ન હતું, અંદર હવા પણ ન જાય તે રીતે આખી જગ્યા પેક હતી છતાં આગ કઈ રીતે લાગી તે મોટો પ્રશ્ન : બનાવમાં અનેક બાબતો શંકાના દાયરામાંમોરબી : રફાળેશ્વર નજીક બંધ સિરામિક ફેકટરીમાં કાર્યરત મગફળીના ગોડાઉનમાં ગઈકાલે આગ લાગી હતી. આ આગ હાલ કાબુમાં છે પણ કુલિંગ પ્રક્રિયા હજુ ચાલુ છે. આ આગ લાગી ત્યારે સમયસર જેસીબી અને લોડર જેવા સાધનો મળ્યા હોત તો મોટા પ્રમાણમાં નુક્સાનીને બચાવી શકયા હોત. પણ બનાવમાં અનેક બાબતો શંકાના દાયરામાં છે.આ ગોડાઉનમાં નાફેડની ટેકાના ભાવે ખરીદાયેલી અંદાજે 1.59 લાખ બોરી મગફળી રાખવામાં આવી હતી. તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મગફળીના જથ્થાની કિંમત આશરે 40 કરોડથી વધુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ગોડાઉનમાં 7 દરવાજા, બારીઓ તમામ એવી રીતે બંધ હતી કે અંદર હવા પણ ન જઈ શકે. ઉપરાંત અહીં લાઈટનું કનેકશન પણ ન હતું. છતાં પણ અહીં આગ લાગી કઈ રીતે તે મોટો પ્રશ્ન છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગઈકાલે ઘટના સમયે અને આજે પણ કોઈ જવાબદાર અધિકારીઓ હાજર જોવા મળ્યા ન હતા કે કોઈ નક્કર નિર્ણય લઈ શક્યા ન હતા. જો ગઈકાલે જ શરૂઆતમાં યોગ્ય નિર્ણય લઈને વચ્ચેની જગ્યાએથી દીવાલ પાડીને મગફળીની ગુણીઓ બહાર કાઢી લેવામાં આવી હોત, તો આગ આગળ વધતી અટકી શકી હોત. પરંતુ કોઈ અધિકારીએ આદેશ ન આપતા અને દરવાજા પર સીલ મારેલા હોવાથી સ્થાનિકો પણ લાચાર બન્યા હતા. સીલ તોડવા પર અન્ય પ્રશ્નો ઉભા થવાની ભીતિએ કોઈએ સીલ તોડવાનું સાહસ કર્યું ન હતું, જેને કારણે આગે મોટું સ્વરૂપ લીધું.જો ગઈકાલે જ આગ લાગી ત્યારે લોડર અને જેસીબીની વ્યવસ્થા થઈ ગઈ હોત, તો સળગતો અને સુરક્ષિત જથ્થો અલગ કરી શકાયો હોત. પરંતુ લોડર આજે સવારે પહોંચ્યું હતું અને સવારથી જથ્થો બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સવારે બહાર કાઢવામાં આવેલો મોટાભાગનો મગફળીનો જથ્થો પલળેલી અને સળગી ગયેલી હાલતમાં જોવા મળ્યો છે. તંત્રની ઢીલી નીતિ અને નિર્ણયશક્તિના અભાવે આટલું મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે લોકો કહી રહ્યા છે.મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે 1:40 વાગ્યે ફાયર કોલ મળ્યો હતો. જો ગઈકાલે જ સમયસર લોડર કે જેસીબી જેવી સુવિધાઓ મળી ગઈ હોત અને દીવાલ તોડીને વચ્ચે ગેપ પાડી દેવાયો હોત, તો મગફળીનો અડધો જથ્થો બચાવી શકાયો હોત. યોગ્ય સમયે સાધનો અને પાણીના ટેન્કરો ન મળતા આગ વધુ પ્રસરી ગઈ હતી. હાલ સવારથી લોડર વડે મગફળીનો જથ્થો બહાર કાઢવામાં આવી રહ્યો છે, પરંતુ મોટાભાગની મગફળી પલળી ગયેલી અને બળી ગયેલી હાલતમાં બહાર નીકળી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FireIncident #GujaratNews #MassiveFire #PeanutGodownFire