આંદોલન યથાવત જ રહેશે, ખેડૂતો ખૂબ દુઃખી થયા અને રોવા પણ લાગ્યા, આ આંદોલન ખેડૂતોના હિત માટેનું છે : ખેડૂત સમિતિની સ્પષ્ટતામોરબી : ગામે-ગામથી જે ખેડૂત આંદોલનને સમર્થન મળી રહ્યું હતું. તે આંદોલનના ઉપવાસી નિલેશ એરવાડિયા અને હકાભા ગઢવી વચ્ચેનો એક રૂ.2 કરોડના સોદાનો કથિત ઓડિયો વાયરલ થતા જ ખળભળાટ મચી ગયો છે. ખેડૂત સમિતિએ ઉપવાસી નિલેશ એરવાડિયાને છુટા કરીને હોસ્પિટલાઈઝ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું છે. સાથે સ્પષ્ટતા કરી છે કે આ આંદોલન ચાલુ જ રહેશે. ખેડૂત સમિતિના સભ્ય રાજુભાઈ અમૃતિયાએ જણાવ્યું કે હકાભા ગઢવી અને નિલેશભાઈનો એક ઓડિયો વાયરલ થયો છે, જે સમિતિ સુધી પહોંચ્યો હતો. આ ઓડિયો સાંભળીને ખેડૂતો ખૂબ જ દુઃખી થયા હતા. 2 થી 3 ખેડૂતો તો ફોન પર રડવા લાગ્યા હતા. ખેડૂતોની ભારે નારાજગી અને દુઃખને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી નિલેશભાઈને છાવણીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. ઉપવાસ અંગે રાજુભાઈએ જણાવ્યું કે નિલેશભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેમની તબિયત જોતા તેમને અનશન પરથી મુક્ત કરવાનો અમારો આગ્રહ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે સમિતિની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ વિડિયો કે બાઈટ આપે તો તેને માન્ય રાખવામાં આવશે નહીં. વાયરલ થયેલા ઓડિયો કે તેમાં થયેલી વાતો એ તેમની અંગત બાબત છે, છાવણીને તેની સાથે કોઈ જ લેવાદેવા નથી. સમિતિ માત્ર ખેડૂતોના હિત માટે કામ કરે છે અને હંમેશા ખેડૂતોની સાથે રહેશે.તબિયત નાજુક: લોહીની ટકાવારી ઘટીને 5.5% થઈનિલેશ એરવાડિયાએ પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આજે તેમના ઉપવાસનો 17મો દિવસ છે. હાલમાં તેમના શરીરમાં લોહીની ટકાવારી ઘટીને 5.5% જેટલી જ રહી ગઈ છે. એમડી ડોક્ટરના અભિપ્રાય મુજબ તેમની કિડની અને લીવર પર સોજો આવી ગયો છે અને તેમને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવા અનિવાર્ય બન્યું છે. તેમણે ઉમેર્યું કે તેઓ અત્યારે પણ શરીરમાં ધ્રુજારી (વાયબ્રેશન) અનુભવી રહ્યા છે. 'આંદોલનને તોડવા બૂટલેગરો અને ભાજપના મળતિયાઓને ઉતારાયા'નિલેશ એરવાડિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી આ ખેડૂત આંદોલનને તોડવા માટે અનેક પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. તેમને વિવિધ લોભ, લાલચ અને પ્રલોભનો આપવાની સાથે ધાકધમકીઓ પણ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, આંદોલનને નબળું પાડવા માટે ભાજપના મળતિયાઓ અને બૂટલેગરોને પણ મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે.છાવણી ખેડૂતોની છે, નિલેશ એરવાડિયાની નહીંતાજેતરમાં વાયરલ થયેલા ઓડિયો અને હકાભા દ્વારા કરાયેલા આક્ષેપો અંગે વાત કરતા તેમણે કહ્યું કે, 'મારા કારણે જો ખેડૂતોની આ છાવણી બદનામ થતી હોય તો હું આ છાવણી છોડવા તૈયાર છું. આ છાવણી કોઈ નિલેશ એરવાડિયાની નથી, પણ ગુજરાતના તમામ ખેડૂતોની છે.' તેમણે તમામ ખેડૂત મિત્રોને અપીલ કરી છે કે આ આંદોલનને તૂટવા ન દે અને મજબૂતાઈથી સમર્થન આપતા રહે. #Morbi #MorbiUpdate #MorbiNews #FarmersProtest #KhedutAndolan #RajubhaiAmrutiya #GujaratNews