35 થી 40 હજારની વસ્તી અને 15 થી વધુ સોસાયટીઓને મળશે મોટી રાહત: કાયમી નિરાકરણ માટે આયોજનમોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુખાકારી અને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી દ્વારા નવલખી ફાટક–ત્રિલોકધામ વિસ્તારની રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યા છે. જેના કાયમી અને ટેકનિકલ નિરાકરણ માટે અહીં એક નવા નાળા (ડ્રેનેજ) બનાવવાની કામગીરી પ્રસ્તાવિત છે. આ પ્રસ્તાવિત કામગીરીના સંદર્ભમાં જ મેયરની અધ્યક્ષતામાં સમગ્ર ટીમ દ્વારા સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, 'આ વિસ્તારની આશરે 35 થી 40 હજાર જેટલી જનમેદની અને અંદાજિત 15 થી 17 જેટલી વિવિધ રહેણાંક સોસાયટીઓ લાંબા સમયથી વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો સામનો કરી રહી છે. આ સમસ્યાનો અંત લાવી, સ્થાનિક રહીશોને કાયમી રાહત આપવી એ અમારી પ્રાથમિકતા છે. ટેકનિકલ નિરીક્ષણ બાદ આ કામગીરીને વેગ આપવામાં આવશે જેથી ભવિષ્યમાં લોકોને મુશ્કેલી ન પડે.'આ સ્થળ મુલાકાત દરમિયાન પાણીના યોગ્ય નિકાલ માટે કયા પ્રકારનું આયોજન કરવું અને કામગીરી ઝડપથી કેવી રીતે શરૂ કરી શકાય તે અંગે સંબંધિત ટેકનિકલ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન મહાનગરપાલિકાના ચેરમેન, સ્થાનિક કોર્પોરેટરો, ડેપ્યુટી કમિશનર તેમજ સંબંધિત ટેકનિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #Monsoon #DrainageSystem #Development #MorbiMunicipality