ફેક્ટરીની જગ્યા ગોડાઉન તરીકે મગફળી રાખવા માટે ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનને ભાડે અપાઈ હતી : મોટાભાગનો મગફળીનો જથ્થો આગમાં સ્વાહામોરબી : મોરબી નજીક આવેલ રફાળેશ્વર જીઆઇડીસીમાં એક સિરામિક ફેકટરીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આ ફેક્ટરીની જગ્યા ગોડાઉન તરીકે મગફળી રાખવા માટે ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનને ભાડે આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તેમાં નાફેડનો 1.59 લાખ બોરી જેટલો વિપુલ માત્રામાં મગફળીનો જથ્થો હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન મેનેજર એચ. જી. રાઠોડના જણાવ્યા અનુસાર, આ ગોડાઉનમાં નાફેડની મગફળીની 1,59,000 બોરીઓ રાખવામાં આવી હતી. ગોડાઉનમાં ફ્યુમિગેશન (દવા છાંટવાની પ્રક્રિયા) કરવામાં આવ્યું હોવાથી છેલ્લા 8 થી 10 દિવસથી ગોડાઉનના તમામ દરવાજા પેક કરીને બંધ રાખવામાં આવ્યું હતું. બપોરે 1:44 કલાકે ગોડાઉનમાંથી ધુમાડા નીકળતા હોવાની જાણ થતાં તેઓ અન્ય ગોડાઉનથી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગોડાઉન સંપૂર્ણપણે સીલ હોવાથી અને અંદર કોઈની અવરજવર ન હોવાથી આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ આગને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. મોરબીની 4, રાજકોટની 2 અને વાંકાનેરની 1 એમ કુલ મળી 7 ફાયર ટિમો આગને કાબુમાં લેવા મથી રહી છે. મોટાભાગની મગફળી આગમાં સ્વાહા થઈ ગઈ છે. આગ સંપૂર્ણ રીતે બુઝાયા બાદ જ ખરેખર કેટલા જથ્થાનું નુકસાન થયું છે તેનો ચોક્કસ અંદાજ આવી શકશે.#MorbiUpdate #MorbiNews #RafaleshwarGIDC #FireAccident #GujaratWarehouseCorporation #PeanutGodown #Morbi #GujaratNews