જેતપર ઉપવાસ આંદોલનને 16 દિવસ થયા છતાં સરકારે નિર્ણય ન લેતા ખેડૂતો હવે આકરા પાણીએમોરબી : જેતપર ખાતે વીજ કંપનીના થાંભલા અને તાર નાખવાના વિરોધમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન વધુ મજબૂત બની રહ્યું છે. આ આંદોલનને વેગ આપવા અને યોગ્ય માર્ગદર્શન માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં એવા ભૂતપૂર્વ લોકો કે જેના ખેતરમાં થાંભલા કે તાર આવ્યા છે તેમને આવરી લેવાયા છે. આ ઉપરાંત ગામના અને બહારના એવા વ્યક્તિઓને પણ જોડવામાં આવ્યા છે જેઓ યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ હોય.સરકારની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરતા ખેડૂત આગેવાન વૈભવ અમૃતિયાએ જણાવ્યું હતું કે, કેબિનેટમાં ચર્ચા પૂર્ણ થયા બાદ પણ સરકાર હજુ કેટલા દિવસો સુધી ખેડૂતોને આ પરિસ્થિતિમાં રાખવા માંગે છે તે મોટો પ્રશ્ન છે. ખેડૂતો શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે અને કોઈને હેરાન કરવા કે ઉપયોગ કરવા માંગતા નથી, છતાં આટલા દમન પછી પણ સરકાર કોઈ નિર્ણય લાવી શકી નથી. તેમણે સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ખેડૂતોને માત્ર લોભામણી વાતો કે રચનાત્મક રજૂઆતો નહીં, પરંતુ હવે નક્કર પરિણામ જોઈએ છે.આજે ઉપવાસ છાવણીનો 16મો દિવસ છે. 16 દિવસથી અન્નનો દાણો પણ પેટમાં ન જવાને કારણે ઉપવાસીઓની ઇમ્યુનિટી ડાઉન થઈ રહી છે. વધુ લોકોની અવરજવરથી તેમને કોઈ મોટી માંદગીનો અનુભવ ન થાય તે માટે સમિતિ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ઉપવાસીઓનો આભાર માનતા આગેવાને કહ્યું કે તેમના મજબૂત સાથ અને સહકારથી જ આ લડાઈ જીત તરફ આગળ વધી રહી છે.ખેડૂત આગેવાન વૈભવ અમૃતિયાએ સ્પષ્ટ કર્યું હતું કે જો સરકાર ટૂંક સમયમાં કોઈ નિર્ણય નહીં લે, તો સમિતિ દ્વારા એક ડેડલાઇન આપવામાં આવશે. જો આપેલા સમયમાં નિરાકરણ નહીં આવે તો એક 'મહા સભા' કે 'મહા પંચાયત'નું આયોજન કરવામાં આવશે. આ વ્યુહરચનાના ભાગરૂપે આગામી 4 તારીખે ખેડૂત કિસાન સંઘના યુનિયનના અધ્યક્ષ ગુરુનામ સિંહ ચઢુની પણ અન્ય રાજ્યમાંથી અહીં આવીને ખેડૂતોને પોતાનો ટેકો જાહેર કરશે. આગેવાને ચીમકી આપી છે કે હવે આ માત્ર એક રાજ્યનો મુદ્દો નહીં રહે, બહારના રાજ્યોનો ટેકો પણ મળી રહ્યો છે, જેનાથી સરકાર પર પ્રબળ દબાણ ઊભું થશે.#MorbiUpdate #Jetpar #FarmersProtest #KisanAndolan #GujaratFarmers #MorbiNews #MahaPanchayat #FarmerRights