જેતપર ખેડૂત આંદોલનને પગલે અંતે સરકારે વળતરના નિયમોમાં ફેરફારો જાહેર કર્યા : બજાર ભાવ નક્કી કરવા MRC કમિટી રચાશે, તેમાં અસરગ્રસ્ત ખેડૂતના પ્રતિનિધિ પણ હશે : તમામ વળતર એકસાથે ચૂકવાશે : વળતર ચૂકવાયું હશે પણ ખેતરમાં કામ પ્રગતિમાં હશે તેવા ખેડૂતને પણ આ ફેરફારનો લાભ અપાશેમોરબી : જેતપર ખેડૂત આંદોલનના આજે 16માં દિવસે અંતે સરકારે વળતરના નિયમોમાં ફેરફારો જાહેર કર્યા છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણી અને મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે ટાવર માટે જંત્રીના નહિ માર્કેટ વેલ્યુનું બમણું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત બેઝ વિસ્તારની ફરતે 1 મીટર વધુ જગ્યાનું વળતર મળશે. જમીનની માર્કેટ વેલ્યુ નક્કી કરવા MRC કમિટી પણ રચવામાં આવશે. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિને પણ સમાવામાં આવશે. આ અંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન અને ટાવર ઊભા કરવા માટે ખેડૂતોને અપાતા વળતરમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય કર્યો છે કે હવે ખેડૂતોને જંત્રી આધારિત વળતરને બદલે જમીનના પ્રવર્તમાન બજાર ભાવ (માર્કેટ રેટ) મુજબ વળતર ચૂકવવામાં આવશે.આ નિર્ણય લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી મેરેથોન બેઠકો કરવામાં આવી હતી.અગાઉ ખેડૂતોને જંત્રીના બમણા ભાવે વળતર અપાતું હતું, પરંતુ હવે બજાર ભાવ મુજબ નીચે મુજબ વળતર મળશે. ટાવર બેઝ (પાયા) માટે રોકાતી જમીનના વાસ્તવિક માપમાં ચારે બાજુ 1 મીટરનો વધારો ગણીને, તે કુલ જમીનના બજાર ભાવ કરતા બમણું (2 ગણું) વળતર ચૂકવવામાં આવશે. અત્યાર સુધી 725 કેવી લાઈનમાં ટાવર બેઝ માટે 625 ચો.મી. જગ્યાનું વળતર અપાતું હતું. હવે 729 ચો.મી. જગ્યાનું વળતર ચૂકવાશે.આ ઉપરાંત વીજ લાઈન (ROW) કોરિડોર માટે જમીનના બજાર ભાવના આધારે વળતર મળશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર ભાવના 30%, નગરપાલિકા વિસ્તારમાં બજાર ભાવના 45%, મહાનગરપાલિકા વિસ્તારમાં: બજાર ભાવના 60% વળતર મળશે. વળતર નક્કી કરવા માર્કેટ રેટ કમિટી (MRC) ની રચના કરવામાં આવશે. બજાર ભાવ કોણ નક્કી કરશે તે અંગેની ખેડૂતોની મૂંઝવણ દૂર કરવા સરકારે આ નિર્ણય લીધો છે. આ કમિટી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રહેશે. પારદર્શિતા જાળવવા આ કમિટીમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિ અને ઓથોરાઈઝ્ડ માર્કેટ વેલ્યુઅરનો ફરજિયાત સમાવેશ કરવામાં આવશે.અગાઉ ખેડૂતોને ફાઉન્ડેશન વખતે 40%, ટાવર ઊભો થાય ત્યારે 40% અને વાયર ખેંચાય ત્યારે 20% એમ હપ્તામાં વળતર મળતું હતું. હવે સરકારે આ સિસ્ટમ નાબૂદ કરી છે અને ખેડૂતોને અગાઉથી જ એકસાથે 100% વળતર ચૂકવી દેવાનો ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે જે ખેડૂતોએ જૂના ભાવે વળતર મેળવી લીધું છે, પરંતુ તેમના ખેતરમાં વીજ લાઈન યા ટાવરનું કામ હજુ પ્રગતિમાં (ચાલુ) છે, તેવા તમામ ખેડૂતોને પણ આ નવી નીતિનો લાભ મળશે અને તેમને નવા બજાર ભાવ મુજબ બાકીની તફાવતની રકમ ચૂકવવામાં આવશે.નવા નિયમથી ખેડૂતોને કેટલો મોટો ફાયદો થશે તેનું ઉદાહરણ આપતા જણાવાયું હતું કે, મોરબીના જેતપર ગામમાં 765 KV ની લાઈન માટે અગાઉના જંત્રીના નિયમ મુજબ ટાવર બેઝ માટે ખેડૂતને માત્ર 6.11 લાખ રૂપિયા મળતા હતા, જે નવા બજાર ભાવના નિયમ મુજબ વધીને 64.27 લાખ રૂપિયા મળશે. એવી જ રીતે ROW (લાઈન) માટે અગાઉ 3.40 લાખ રૂપિયા મળતા હતા, તેની જગ્યાએ હવે 37.25 લાખ રૂપિયા મળશે.#MorbiUpdate #GujaratGovt #Farmers #BhupendraPatel #ElectricityTower #FarmersCompensation #AgricultureNews #GujaratNews