સંગીતાબેન કગથરા ચેરમેન તરીકે યથાવત: વાઇસ ચેરમેન તરીકે ડાહીબેન દોરાલાની પસંદગી હળવદ : રાજ્યની એકમાત્ર મહિલાઓ દ્વારા સંચાલિત 'શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.' (મયુર ડેરી) ના વહીવટી માળખામાં મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે.બુધવારે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વસંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી છે.જેમાં ચેરમેન તરીકે સંગીતાબેન રજનીભાઈ પટેલ (મોરબી) અને વાઇસ ચેરમેન તરીકે ડાહીબેન દેવશીભાઈ ભરવાડ (હળવદ)ની પસંદગી કરવામાં આવી છે.મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ ડેરીનું સંચાલન સંપૂર્ણપણે મહિલાઓના હાથમાં છે. નવી જવાબદારી સંભાળનાર બંને હોદ્દેદારોને ડેરી સાથે જોડાયેલા ડિરેક્ટરો, કર્મચારીઓ, વિવિધ દૂધ મંડળીઓના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પશુપાલકોએ શુભેચ્છાઓ પાઠવી છે.હાલમાં મોરબી, હળવદ, માળિયા-મીયાણા, ટંકારા અને વાંકાનેર એમ પાંચેય તાલુકાઓમાં ફેલાયેલા આ દૂધ સંઘ સાથે 300 જેટલી દૂધ મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓ દ્વારા દૈનિક એક લાખ લીટર દૂધનું એકત્રીકરણ કરવામાં આવે છે, જેમાં આશરે 18,000 જેટલા પશુપાલકો સીધા જોડાયેલા છે આ અંગે માહિતી આપતા દૂધ સંઘના એમ.ડી. સુમિત કુમારે જણાવ્યું હતું કે, 'અમારો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોની આર્થિક ઉન્નતિ છે. સંઘ દ્વારા પશુઓની સારવાર નજીવા દરે પૂરી પાડવામાં આવે છે, સાથે જ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી દૂધ ઉત્પાદનમાં વધારો કરવા અને દૂધની ગુણવત્તા (ક્વોલિટી) સુધારવા માટે અમે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા લેવાતો દરેક નિર્ણય પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવે છે.'