વેપારીઓએ કોર્પોરેટરને જાણ કરી હોવા છતાં કોઈ જવાબ ન મળતા ભારે રોષમોરબી : મોરબીના હાર્દ સમાન ગ્રીન ચોક વિસ્તારમાં ગટર સફાઈની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી છે. રાત્રિના સમયે સફાઈ કર્મીઓ દ્વારા મનસ્વી રીતે કામગીરી કરીને ગટરમાંથી કાઢેલો કાદવ અને કચરો યોગ્ય નિકાલ કરવાના બદલે સીધો જ દુકાનો અને શોરૂમના ઓટા પર નાખી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગ્રીન ચોક વિસ્તારમાં રસ્તાની બાજુમાં અને દુકાનોની એકદમ નજીક ગટરનું ગંદુ પાણી અને કાળો કાદવ નાખી દેવામાં આવ્યો છે. સફાઈ કામગીરી દરમિયાન કાઢવામાં આવેલો ગંદો કાદવ દુકાનોના પગથિયાં પર ઠાલવવામાં આવ્યો છે અને તેના છાંટા દુકાનોની દીવાલો સુધી ઉડ્યા છે. આ ઉપરાંત, પ્લાસ્ટિકના રેપર્સ અને અન્ય કચરો પણ રસ્તા પર જ્યાં ત્યાં વેરવિખેર પડેલો છે. સવારે જ્યારે વેપારીઓ પોતાની દુકાન કે શોરૂમ ખોલવા પહોંચ્યા ત્યારે આ ગંદકી જોઈને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.વેપારીઓના જણાવ્યા અનુસાર, આ ગંભીર બેદરકારી અને ગંદકી અંગે તેઓએ તાત્કાલિક કોર્પોરેટરને જાણ કરી હતી. પરંતુ, કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી કે સફાઈ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. શહેરના મુખ્ય વેપારી વિસ્તારમાં આવી ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ છે, જેને લઈને સ્થાનિક વેપારીઓમાં મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.#Morbi #MorbiUpdate #GreenChowk #MorbiNagarpalika #CivicIssues #GutterCleaning #MorbiNews #CleanMorbi