બેંકે દસ્તાવેજ ખોવાઈ ગયાનો જવાબ આપતા ગ્રાહક સુરક્ષા મંડળ મારફત કરાઈ હતી ફરિયાદ: ગ્રાહક કોર્ટે પોતાના ખર્ચે દસ્તાવેજની નકલ કઢાવી આપવા કર્યો આદેશમોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરુણોદયનગરમાં રહેતા દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પરા બજાર શાખામાંથી પોતાના વાવડી રોડ પર આવેલા સુમતીનગરના મકાન પર લોન લીધી હતી. ગ્રાહકે 16/12/2023 ના રોજ 5,00,000 રૂપિયાની હોમ લોન લીધી હતી, જેની તમામ રકમ તેઓએ 3/12/2024 ના રોજ બેંકમાં સંપૂર્ણ ભરપાઈ કરી દીધી હતી.લોનની રકમ પૂરી થઈ ગઈ હોવા છતાં બેંક દ્વારા ગ્રાહકને મકાનના અસલ દસ્તાવેજ પરત કરવામાં આવ્યા ન હતા. ગ્રાહકે અસલ દસ્તાવેજો મેળવવા માટે બેંકના અવારનવાર ધક્કા ખાધા હતા, પરંતુ અંતે બેંક સત્તાધીશો દ્વારા એવો બેજવાબદારભર્યો જવાબ આપવામાં આવ્યો હતો કે મકાનના દસ્તાવેજની ફાઈલ ખોવાઈ ગઈ છે.આથી પીડિત ગ્રાહકે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો અને તેમના મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિએ બેંકના અધિકારીઓની ગંભીર બેદરકારી બદલ ઝાટકણી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ગ્રાહકે તમામ રકમ ભરી આપી હોવા છતાં સેવામાં ખામી રાખી દસ્તાવેજની ફાઈલ ગુમાવવી તે બેંકની સીધી જવાબદારી બને છે.ગ્રાહક અદાલતે આ મામલે મહત્વનો ચુકાદો આપતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આદેશ કર્યો છે કે દિનેશચંદ્ર જેચંદભાઈ મહેતાના મકાનના દસ્તાવેજની નકલ બેંકના પોતાના ખર્ચે સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી કઢાવી આપવી. આ ઉપરાંત ગ્રાહકને થયેલી માનસિક હેરાનગતિ અને અન્ય ખર્ચ પેટે 10,000 રૂપિયા વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #ConsumerCourt #SBI #StateBankOfIndia #HomeLoan #ConsumerProtection #Morbi