વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિ મેળવનાર 18 વર્ષથી ઓછી વયના બાળકો કરી શકશે અરજી: કેન્દ્ર સરકારના સત્તાવાર પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશેમોરબી: દેશના તેજસ્વી અને અસાધારણ ક્ષમતા ધરાવતા બાળકોને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવાના ઉમદા હેતુથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2026 માટેના પ્રતિષ્ઠિત 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)' અંતર્ગત ઓનલાઈન નોમિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આ રાષ્ટ્રીય એવોર્ડ એવા બાળકોને એનાયત કરવામાં આવે છે જેમણે સાહસિકતા, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ તેમજ ઈનોવેશન જેવા ક્ષેત્રોમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય. આ પુરસ્કાર માટે અરજી કરનાર બાળકની ઉંમર નોમિનેશનના સમયે 18 વર્ષથી ઓછી હોવી અનિવાર્ય છે.પાત્રતા ધરાવતા રસ ધરાવતા બાળકો, તેમના વાલીઓ, શાળાઓ તેમજ વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ પોતાની નોંધપાત્ર સિદ્ધિ કે સેવા અંગેના સત્તાવાર આધાર-પુરાવા સાથે તારીખ 31/07/2026 સુધીમાં ભારત સરકારના સત્તાવાર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in પર જઈને ઓનલાઈન નોમિનેશન કરાવી શકે છે. પુરસ્કારની પસંદગી પ્રક્રિયા, નિયમો અને પાત્રતા અંગેની વિગતવાર માહિતી પણ આ જ પોર્ટલ પર ઉપલબ્ધ છે.આ રાષ્ટ્રીય પુરસ્કાર અંગેની કોઈપણ પ્રકારની મૂંઝવણ, માર્ગદર્શન કે વધુ માહિતી મેળવવા માટે મોરબી જિલ્લાના નાગરિકોએ ‘જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં. 31, બ્લોક-સી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી-2’ ની કચેરીનો રૂબરૂ સંપર્ક સાધવાનો રહેશે, તેમ મોરબીના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ ડી. શેરસીયાની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #PradhanMantriRashtriyaBalPuraskar #BalPuraskar2026 #NationalAwards #PMRBP #MorbiNews