મોરબી : આજના સમયમાં વાલીઓ પોતાના બાળકોને 5 કે 10 રૂપિયા આપીને જંકફૂડ કે પડીકા લેવા મોકલે છે, જે હકીકતમાં બાળકોને અપાતું ધીમું ઝેર છે. આ પેકેટ્સમાં મેંદો, ખરાબ તેલ, પામોલિન તેલ, નાઇટ્રોજન અને ફૂગ પણ જોવા મળે છે. જીભને સ્વાદિષ્ટ લાગતો આ ખોરાક સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. એક અહેવાલ મુજબ વાવ-થરાદ વિસ્તારમાં શાળા આરોગ્ય તપાસણી દરમિયાન 471 બાળકો હૃદય રોગના દર્દી હોવાનું સામે આવ્યું હતું. આવા જંક ફૂડના સેવનથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ રહેલું છે.બાળકોમાં આ ગંભીર બાબતે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી મોરબી તાલુકા અને જિલ્લાની નવા જાંબુડિયા પ્રાથમિક શાળા દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. શાળાની પ્રાર્થના સભામાં તમામ વિદ્યાર્થીઓને બહાર મળતા પડીકા કે જંક ફૂડ ક્યારેય નહીં ખાવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ જાગૃતિ અભિયાનને સફળ બનાવવા માટે સમગ્ર શાળા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. શાળાના આ સરાહનીય પગલાંને વાલીઓએ ઉમળકાભેર વધાવી લીધું છે અને સમગ્ર સ્ટાફની કામગીરીની ખૂબ પ્રશંસા કરી છે.#Morbi #MorbiUpdate #NavaJambudiya #SayNoToJunkFood #ChildrenHealth #HealthAwareness #SchoolInitiative #MorbiNews