જો વીજલાઈન નાખવી હોય તો યોગ્ય વળતર આપવાની માંગમોરબી: મોરબી જિલ્લાના માળિયા (મી.) તાલુકાના નાના ભેલા ગામમાં વર્ષ 2026-27 માટે એક ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં ગામના ખેતરોમાંથી પસાર થતી ખાનગી કંપનીની ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન નાખવા સામે વ્યાપક વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેથી ગ્રામ પંચાયતે વીજલાઈન ન નાખવા દેવાનો ઠરાવ પસાર કર્યો હતો.ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર નાના ભેલા ગામના ખેતરો ખૂબ જ ફળદ્રુપ છે અને ખેડૂતો તેમાં સારો પાક મેળવે છે. ગુજરાત રાજ્ય પોતાની જરૂરિયાત કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરતું હોવાથી ખાનગી કંપનીઓ આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) દ્વારા અન્ય રાજ્યો અને દેશોમાં વીજળી વેચવા માટે અહીંથી લાઇન પસાર કરી રહી છે. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા વાંધાઓ મુજબ, આ પ્રાઇવેટ હાઈ ટેન્શન લાઇનના કારણે ગામની ખેતીની જમીન, ઊભા પાક, પશુધન, પર્યાવરણ તેમજ લોકોના જાન-માલને મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે. ભવિષ્યમાં ખેતીકામમાં પણ અનેક મુશ્કેલીઓ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.ગ્રામસભામાં અધ્યક્ષ સ્થાનેથી સરપંચ દ્વારા આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સભામાં હાજર તમામ લોકોએ સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. ઠરાવમાં સ્પષ્ટ નિર્ણય લેવાયો છે કે નાના ભેલા ગામના કોઈપણ સર્વે નંબરના ખેતરોમાં ટ્રાન્સમિશન લાઇન નાખવા દેવામાં આવશે નહીં.જો ભવિષ્યમાં લાઇન નાખવાની અનિવાર્ય જરૂરિયાત ઊભી થાય, તો પણ કેન્દ્ર સરકારના નિયમો અનુસાર અસરગ્રસ્ત ખેડૂતોની પૂર્ણ સંમતિ લઈને જ વળતરની રકમ ચૂકવવામાં આવે. જ્યાં સુધી ખેડૂતોને આ વળતર ચૂકવાઈ ન જાય ત્યાં સુધી કામગીરીને સંપૂર્ણપણે સ્થગિત રાખવામાં આવે. ગામ અને ખેડૂતોની લેખિત સંમતિ વિના કોઈપણ પ્રકારનું કામ આગળ ન ધપાવવા માટે ઠરાવમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.#Morbi #Maliya #NanaBhela #GramSabha #FarmersProtest #TransmissionLine #MorbiUpdates