સરપંચ દ્વારા 2 વર્ષમાં 22 રજૂઆતો કરવા છતાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ મચક ન આપી, અંતે યુવરાજસિંહ જાડેજા સરપંચ સાથે કચેરીએ પહોંચતા જિલ્લા રજિસ્ટ્રારે 10 દિવસમાં તપાસ અને કાર્યવાહી કરવાની ખાતરી આપી મોરબી: વાંકાનેર તાલુકાના જાલસિકા અને વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયત હેઠળ આવતા વસુંધરા ગામમાં એક ગેરકાયદેસર દૂધ મંડળી ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે. આ મંડળીમાં ગ્રામ પંચાયતના બોગસ લેટરપેડ અને તલાટીની સાઈનનો પણ ઉપયોગ થયા હોવાનો સરપંચે આક્ષેપ કર્યો છે. જો કે સરપંચ છેલ્લા 2 વર્ષથી આ મામલે રજૂઆતો કરતા હતા પણ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ આજ સુધી તેને મચક આપી ન હતી. પરંતુ યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આજે રજુઆત કરવામાં આવતા જિલ્લા રજિસ્ટ્રારે 10 દિવસમાં તપાસ અને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.જાલસિકા અને વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ ધીરુભાઈ કરશનભાઈ ડાંગરે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 2 વર્ષથી પંચાયતના લેટરપેડ, સરપંચની સહી અને તલાટીની સહીનો ગેરઉપયોગ કરીને બોગસ દસ્તાવેજોના આધારે 'વસુંધરા પશુપાલક મહિલા દૂધ મંડળી' ઉભી કરવામાં આવી છે. આ મામલે મે ગઢવી સાહેબને રૂબરૂ રજુઆત કરી હતી તો તેઓએ એમ કહ્યું કે આવું તો ચાલતું રહેતું હોય છે, તમે લેખિત આપો. તેઓ દ્વારા છેલ્લા 2 વર્ષથી આ બોગસ દૂધ મંડળી સામે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં 22 જેટલી લેખિત અરજીઓ અને RTI કરવામાં આવી હતી. તેઓએ સતત માંગ કરી હતી કે પંચાયતના લેટરપેડ અને સહીઓનો જે દુરુપયોગ થયો છે તેના આધારે રજૂ કરાયેલા ખોટા દસ્તાવેજો તેમને આપવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી થાય. જોકે, 2 વર્ષ સુધી તંત્ર તરફથી કોઈ જ સંતોષકારક નિરાકરણ ન આવતા આખરે સરપંચે યુવરાજસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો.આજે યુવરાજસિંહ જાડેજાને સાથે રાખીને સરપંચ સહિતના આગેવાનોએ મોરબી જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ રૂબરૂ રજૂઆત કરી હતી. યુવરાજસિંહે જણાવ્યું હતું કે નિયમ મુજબ સૂચિત મંડળી માત્ર 6 મહિના જ ચાલી શકે, પરંતુ આ મંડળી 2 વર્ષથી ગેરકાયદેસર રીતે કાર્યરત છે અને ડેરીમાં દૂધ પણ ભરાઈ રહ્યું છે. એક જ ગામમાં બે મંડળી વચ્ચે દોઢ કિમિનું અંતર છે તેવું બતાવી નિયમો નેવે મૂકીને ગેરકાયદેસર રીતે ચાલતા દૂધના આ કાળા કારોબાર સામે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે મોરબી જિલ્લાની તમામ સૂચિત મંડળીઓનું લિસ્ટ માંગી 10 દિવસમાં કડક કાર્યવાહી ન થાય તો આગળની રણનીતિ ઘડવાની ચીમકી આપી છે. ઉપરાંત તેઓએ આ દૂધ મંડળી મોરબીમાં રેવેન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા હરેશભાઈ રેવાભાઈ સરસૈયાના પત્ની ગનુબેનના નામે હોવાનો આક્ષેપ કર્યો છે.આ મામલે મોરબી જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના અધિકારી બિમલ પટેલે જણાવ્યું હતું કે આ 'વસુંધરા પશુપાલક મહિલા દૂધ મંડળી' રજિસ્ટર થયેલી નથી. વર્ષ 2023 માં જ આ મંડળીને સૂચિત મંડળી તરીકે નામંજૂર (રિજેક્ટ) કરી દેવામાં આવી હતી. અરજી રદ થયા બાદ પણ મંડળી ચાલુ હોવાની અને ડેરીમાં દૂધ ભરાતું હોવાની જાણ તેમને આજે જ થઈ છે. ઉગ્ર રજૂઆત બાદ જિલ્લા રજિસ્ટ્રારે ખાતરી આપી છે કે 10 દિવસમાં પૂરતા દસ્તાવેજો અને માહિતી અરજદારને આપવામાં આવશે. આ ઉપરાંત ડેરી મારફતે આ મંડળીનું દૂધ બંધ કરાવવા માટે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.#Morbi #MorbiUpdate #Wankaner #YuvrajsinhJadeja #GujaratNews #MilkDairyScam #MorbiNews #Gujarat #VasundharaGramPanchayat #RTI