હળવદ : જેતપર ખાતે ખેડૂતો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને ચલાવવામાં આવી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આંદોલનના 14માં દિવસે હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની લડતને ટેકો જાહેર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપરના ખેડૂતોના સમર્થનમાં હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ 1 દિવસ માટે યાર્ડ બંધ રાખવાની અને હરાજી સહિતના કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી હતી. વેપારીઓના આ નિર્ણયને ખેડૂતોએ પણ સ્વયંભૂ રીતે વધાવી લીધો હતો. ખેડૂતો આજે પોતાની જણસી વેચાણ અર્થે યાર્ડમાં ન પહોંચતા યાર્ડમાં સન્નાટો જોવા મળ્યો હતો.ખેડૂતોના આંદોલનનો આજે 14મો દિવસ છે, ત્યારે અલગ-અલગ ગામડાઓ અને આગેવાનો દ્વારા તેમને ભારે સમર્થન મળી રહ્યું છે. આ સમર્થનને વધુ મજબૂત બનાવવા માટે આજે સાંજે 4 વાગ્યે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતેથી એક વિશાળ બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી હળવદથી નીકળીને જેતપર પહોંચશે અને આંદોલનકારી ખેડૂતોને પોતાનો અડગ ટેકો જાહેર કરશે.#MorbiUpdate #Halvad #Jetpar #FarmersProtest #HalvadMarketingYard #KhedutAandolan #GujaratFarmers #MorbiNews