ખેડૂતો રાજનીતિનું સાધન નથી, તેમનું હિત અમારી પ્રાથમિકતા, ઝડપથી નિર્ણય કરીશું : જીતુભાઇ વાઘાણીગાંધીનગર: જેતપર ખાતે વીજલાઈનના વળતર મુદે ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલે આજે સરકારની કેબિનેટમાં ચર્ચા થવાની હતી. ઉપરાંત આ મામલે નિર્ણય જાહેર થાય તેવી આશા સેવાઈ રહી હતી. પરંતુ આ અંગે કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. માત્ર રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણીએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી હતી. વીજળીના થાંભલા સહિતના મુદ્દે ચાલી રહેલા આંદોલન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતોની તમામ માંગણીઓ પ્રત્યે ગંભીર છે અને આ બાબતે વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે. ભારતીય કિસાન સંઘ, કિસાન મોરચો અને ખેડૂત સમિતિ સહિતના તમામ હિતધારકો સાથે ચર્ચાઓ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા જે પણ માંગણીઓ અને રજૂઆતો આવી છે, તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સરકાર આ બાબતે ખૂબ જ ઓપન માઇન્ડ ધરાવે છે અને ભૂતકાળની જેમ જ આગામી સમયમાં પણ ખેડૂતોના વિશાળ હિતમાં અને રાજ્યવ્યાપી સ્તરે યોગ્ય નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ખેડૂતો અમારે માટે કોઈ રાજનીતિનું સાધન નથી, પરંતુ તેમનું કલ્યાણ એ જ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.ઉલ્લેખનીય છે કે રાજ્યભરના ખેડૂતોની નજર આજની કેબિનેટ બેઠક ઉપર મંડરાયેલી હતી. પરંતુ ખેડૂત આંદોલન અંગે સરકારે કોઈ નિર્ણય જાહેર ન કરતા ખેડૂતોમાં હતાશા પ્રવર્તી છે.